આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું નામ ડી બી પાટિલના નામ પર નહીં રાખવામાં આવે તો ‘અસંતોષનો વિસ્ફોટ’ થશે: સમિતિ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન આ વર્ષના અંતમાં શરૂ થવાની ધારણા છે, ત્યારે શુક્રવારે એક સર્વપક્ષી એક્શન કમિટીએ એરપોર્ટનું નામ દિવંગત નેતા ડી. બી. પાટિલના નામ પરથી રાખવાની માગણી પર ભાર મૂક્યો હતો અને જો તે પૂર્ણ નહીં થાય તો ‘અસંતોષનો વિસ્ફોટ’ થવાની ચેતવણી ઉચ્ચારી હતી.

‘લોકનેતે ડી. બી. પાટિલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઓલ-પાર્ટી એક્શન કમિટી’ના અધ્યક્ષ દશરથ પાટીલે થાણેમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન આ માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. ‘નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ તાત્કાલિક ધોરણે ‘લોકનેતે ડી. બી. પાટિલ’ના નામ પરથી રાખવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ડીબી પાટીલ

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે એક્શન કમિટી સાથે બેઠક કરવાની વિનંતી કરી હતી. દાયકાઓ પહેલા જ્યારે શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (સિડકો)એ આ વિસ્તારમાં જમીન સંપાદનની શરૂઆત કરી ત્યારે રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકાની આસપાસના ખેડૂતો અને જમીનમાલિકો દ્વારા ડી.બી. પાટીલના નેતૃત્વ હેઠળ અનેક વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘નવી મુંબઈ એરપોર્ટને ડી.બી. પાટીલના નામ પર રાખવાનો મુદ્દો કેન્દ્ર સમક્ષ પેન્ડિંગ છે. રાજ્ય સરકારે તાત્કાલિક વડા પ્રધાન મોદી સાથે કાર્યકારી સમિતિના પદાધિકારીઓની બેઠક યોજવી જોઈએ અને નામની જાહેરાત કરવી જોઈએ. નહિંતર અસંતોષનો વિસ્ફોટ થશે,’ એવી ચેતવણી તેમણે આપી હતી.

આપણ વાંચો: આ કારણે એક દિવસ માટે મુંબઈ એરપોર્ટ બંધ રહેશેઃ પ્રવાસીઓ નોંધી લો

‘મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોમાં (એરપોર્ટનું નામ ડી.બી. પાટીલના નામ પર રાખવા અંગે)નો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે અને કેન્દ્રને મોકલવામાં આવ્યો છે, પરંતુ તે હજુ પણ કેન્દ્ર સમક્ષ પેન્ડિંગ છે.

એરપોર્ટનું બાંધકામ મોટાભાગે પૂર્ણ થયું હોવાથી અને નવેમ્બરથી ફ્લાઇટ કામગીરી શરૂ થવાની ધારણા હોવાથી, તાત્કાલિક તેનું નામ ડી.બી. પાટીલના નામ પર રાખવું હિતાવહ છે,’ એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સાથે અગાઉ થયેલી બેઠક છતાં આ મુદ્દો પેન્ડિંગ છે, એમ જણાવતાં પાટીલે ઉમેર્યું હતું કે કેન્દ્રે તેનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ.

પાટીલે એવી પણ માગણી કરી હતી કે એરપોર્ટ પર નોકરીઓમાં થાણે, રાયગઢ, પાલઘર, મુંબઈ જિલ્લાના પ્રોજેક્ટ પ્રભાવિત લોકો અને જમીનમાલિકોને પ્રાથમિકતા આપવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button