કસાબને ઓળખનાર નટવરલાલે તહવ્વુર રાણા અંગે કહ્યું, ‘આતંકવાદીઓ કોઈના સગાં નથી હોતા, મુસ્લિમોને…’.

મુંબઈઃ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા આખરે અત્યંત ગુપ્ત રીતે ભારત પહોંચી ગયો છે. તેને લઈને દિલ્હી એરપોર્ટ પર એક ખાસ વિમાન ઉતર્યું હતું. તે 2009થી અમેરિકાની જેલમાં હતો. મુંબઈ હુમલાના પીડિતો તેના ભારત પ્રત્યાર્પણથી ખૂબ જ ખુશ છે અને તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન નટવરલાલ રોટાવનની પ્રતિક્રિયા સામે આવી છે જેમણે કોર્ટમાં બચી ગયેલા આતંકવાદી અજમલ કસાબને ઓળખી કાઢ્યો હતો. તેમણે કહ્યું છે કે આંતકવાદીઓ કોઈના સગા હોતા નથી અને મુસ્લિમોના પણ નહીં.
સમાચાર સંસ્થા સાથે વાતચીતમાં નટવરલાલ રોટાવને પ્રત્યાર્પણનો શ્રેય વડા પ્રધાનને આપતાં કહ્યું હતું કે, હવે ઘણા રહસ્યો ખુલશે અને ખબર પડશે કે આમાં બીજા કેટલા લોકો સામેલ હતા. જ્યારે તહવ્વુર રાણાને ફાંસી આપવામાં આવશે ત્યારે દેશમાં જયજયકાર થશે.
આ પણ વાંચો: તહવ્વુર રાણા મુદ્દે પાકિસ્તાનના બદલાયા ‘તેવર’, ઓળખ મુદ્દે હાથ ઊંચા કર્યા…
તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાનથી 10 આતંકવાદી આવ્યા હતા, તેમાંથી નવ માર્યા ગયા અને કસાબ જીવતો પકડાયો હતો. હું કસાબ માટે કોર્ટમાં ગયો હતો. મેં તેને કોર્ટમાં ઘણું સંભળાવ્યું હતું. તેઓએ ૧૬૬ લોકોને મારી નાખ્યા અને 300 લોકો ઘાયલ થયા, જેમાં મારી દીકરી પણ સામેલ હતી. તહવ્વુરને ફાંસી મળે તો પણ અમે એ ક્યારેય ભૂલીશું નહીં. કેમકે પાકિસ્તાનમાં આતંકવાદીઓ હજી જીવતા છે.
નટવરલાલે ઉમેર્યું હતું કે સરકારો તો આવતી જતી રહે છે, પણ આપણા વડા પ્રધાન સિંહ જેવા છે. બે વખત પાકિસ્તાનમાં ઘૂસીને તેમને પડકાર ફેંક્યો છે. વડા પ્રધાનને અપીલ કરીને તેમણે તહવ્વુર માટે ફાંસીની માંગણી કરી છે.
તેમણે કહ્યું હતું કે સીએસટી ખાતે 57 લોકો માર્યા ગયા અને 100 લોકો ઘાયલ થયા. આ બધું આપણી નજર સામે બન્યું. એ લોકોએ શું બગાડ્યું હતું? આતંકવાદીઓ કોઈના સગાં નથી હોતા. મુસ્લિમોને પણ માર્યા જ ને? તહવ્વુર પ્રત્યે ક્રોધ વ્યક્ત કરતા નટવરલાલે આગળ કહ્યું કે તેને ફાંસી આપતા પહેલા નગ્ન કરીને ખૂબ માર મારવો જોઈએ.