આમચી મુંબઈ

Tourism: કોંક્રિટના જંગલ મુંબઈમાં આવતીકાલથી ખુલ્લો મુકાશે એલિવેટેડ નેચર વૉક વે

મુંબઈઃ માયાનગરી મુંબઈમાં દરિયા ઉપરાંત કિલ્લા, જૂના મંદિરો અને જંગલ જેવા વિસ્તારો પણ જોવા માટે છે. જોકે મુંબઈ આવતા લોકો મોટેભાગે દરિયાકિનારો, અહીંની બજારો અને ખાણીપીણીની મજા માણે છે પણ શહેરમાં પર્યટકો અને રહેવાસીઓ માટે ઘણા આકર્ષણો પણ છે. હવે આ આકર્ષણમાં વધારો થવાનો છે. કોંક્રિટનું જગલ બની ગયેલા મુંબઈમાં તમે કુદરતના સથવારે ચાલી શકો તેવો એક રસ્તો બન્યો છે, જે આ રવિવારથી એટલે કે 30મી માર્ચથી ખુલ્લો મૂકવામાં આવશે.

સિંગાપોર જેવો જ છે એલિવેટેડ નેચર ટ્રેલ

સિંગાપોરમાં વિકસાવવામાં આવેલ ટ્રી ટોપ વોક કોન્સેપ્ટની જેમ જ આ એલિવેટેડ પાથવે મુંબઈમાં પ્રથમ વખત વિકસાવવામાં આવી રહ્યો છે. નરિમન પોઈન્ટ થી ગિરગાવ ચોપાટી સુધીનો આ માર્ગ મલબાર હીલમાં બનાવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડી ડિવિઝન હેઠળ ફિરોઝ શાહ મહેતા પાર્ક અને કમલા નહેરુ પાર્ક અને વોટર એન્જિનિયર વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ વૉક વેની કુલ લંબાઈ 485 મીટર અને પહોળાઈ 2.4 મીટર છે. બન્ને બાજુ સુંદર મજાની હરિયાળી સાથે ચાલતા ચાલતા તમે ગિરગાંવનો દરિયો પણ અહીં જોઈ શકશો. આ માટે ખાસ સી વ્યુઈંગ ડેક પણ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બંધ કરી દેવાયેલ સમુદ્રી સીમાદર્શન પ્રોજેકટ ફરી ટૂંક સમયમાં શરૂ થશે…

ચારેબાજુ વૃક્ષો અને પક્ષીઓના કલરવ વચ્ચે એક લાકડાની રેલિંગ જેવા રસ્તા પર ચાલવાનું રહશે. આ રસ્તો મજબૂત બની રહે તે માટે ફાઉન્ડેશન (પાઇલ ફાઉન્ડેશન) સાથે સ્ટીલ કનેક્શન દ્વારા તેને સપોર્ટ્ આપવામાં આવ્યો છે તેને સરસ રીતે સજાવવામાં પણ આવ્યો છે. એકવાર ખુલ્લો મૂકવામાં આવશે ત્યારબાદ પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ પણ ફીક્સ કરવામાં આવી છે. સમગ્ર એલિવેટેડ રૂટનું નિરીક્ષણ કરવું અને પ્રોજેક્ટ રૂમમાંથી મુલાકાતીઓની વ્યવસ્થા ગોઠવવી શક્ય બનશે. એટલું જ નહીં ઈમરજન્સી રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વૃક્ષો અને પક્ષીઓ સાથે ફરવાની તક આ વૉક વે આસપાસ લગભગ 100 થી વધુ છોડ સાથે વિવિધ પક્ષીઓને જોવાની તક મુલાકાતીઓને મળશે. છોડમાં ગુલમહોર, બદામ, જામભૂલ, કંચન, પામ, ફણસ, રતન ગુંજ, સીતા અશોક, અર્જુન, મુચકુંદ, સપ્તપર્ણી, કરમાલ, વિલાયતી શિરીષ વગેરેનો સમાવેશ થાય છે. પક્ષીઓમાં કોયલ, , કાગડો, ચકલી, બુલબુલ, , જાંબલી પીઠવાળો સનબર્ડ, મોર, વગેરે ઉપરાંત, ગરોળી, નાગ વગેરે રેપ્ટાઈલ્સ પણ જોવા મળશે.

આ પાથ વે રવિવારે સવારે દસ વાગ્યા ખુલ્લો મૂકવામાં આવશે અને રોજ સવારે પાંચથી રાત્રે નવ સુધી ખુલ્લો રહેશે. હજુ તેની ટિકિટના દર જાહેર કર્યા નથી, પંરતુ ખૂબ નજીવી ટિકિટમાં એક સુંદર અને સ્વચ્છ આબોહવામાં વિહરવાનો મોકો મુંબઈગરાઓને મળશે તે નક્કી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button