નાશિકમાં દરગાહના ડિમોલિશન વખતે હિંસા: પથ્થરમારામાં 21 પોલીસ જખમી…
ટોળાને વીખેરવા પોલીસનો લાઠીચાર્જ-ટીયરગૅસનો ઉપયોગ: 15 તોફાનીઓ તાબામાં, 57 બાઈક જપ્ત

નાશિક: નાશિકમાં અનધિકૃત દરગાહના ડિમોલિશનનો વિરોધ કરનારા લોકો હિંસા પર ઊતરી આવ્યા હતા. એકઠા થયેલા લોકોએ પથ્થરમારો કરતાં 21 પોલીસ પોલીસ કર્મચારી ઘવાયા હતા, જ્યારે ત્રણ પોલીસ વાહનને નુકસાન થયું હતું. ટોળાને વીખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયરગૅસના સેલ્સનો ઉપયોગ કર્યો હતો. તોફાન કરવા બદલ પોલીસે 15 જણને તાબામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
નાશિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે બની હતી. હાઈ કોર્ટના આદેશને અનુસરીને સતપીર દરગાહના ટ્રસ્ટીઓએ ગેરકાયદે બાંધકામ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ વાતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર કિરણકુમાર ચવ્હાણે જણાવ્યું હતું કે રાતે 11.30 વાગ્યે દરગાહ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે જ સમયે દરગાહ નજીકના ઉસ્માનિયા ચોક ખાતે એકઠા થયેલા ટોળાએ હંગામો મચાવ્યો હતો. પોલીસ સહિત દરગાહના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ નેતાઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જોકે લોકો કોઈની વાત માનવા તૈયાર નહોતા.
નાશિક મહાનગરપાલિકાના કર્મચારીઓ ગેરકાયદે બાંધકામના ડિમોલિશન માટે ગયા હોવાથી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 21 પોલીસ જખમી થયા હતા અને ત્રણ પોલીસ વાહન સહિત અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું.
ડીસીપી ચવ્હાણે જણાવ્યું હતું કે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયરગૅસના સેલનો ઉપયોગ કરાયો હતો. હિંસા કરવા બદલ 15 જણને તાબામાં લઈ તેમની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઘટનાસ્થળેથી 57 બાઈક જપ્ત કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી બાદ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન બુધવારની સવારે છ વાગ્યાની આસપાસ મહાપાલિકાના લગભગ 50 કર્મચારી કાથે ગલ્લી વિસ્તારમાં આવેલી સતપીર બાબા દરગાહના ડિમોલિશન માટે પહોંચ્યા હતા. ચાર અર્થ-એક્સકેવેટર્સ, છ ટ્રક અને બે ડમ્પરની મદદથી દરગાહ આસપાસનાં ગેરકાયદે બાંધકામો તોડી પડાયાં હતાં. (પીટીઆઈ)