નાશિકમાં ટાયર ફાટતાં મોટરસાઇકલ સાથે ભટકાયા બાદ કાર નહેરમાં પડી…
પાણી મોઢા-નાકમાં ઘૂસી જતાં બાળક સહિત સાતનાં મોત: બે ઘાયલ

નાશિક: નાશિક જિલ્લામાં સંબંધીના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ પાછા ફરતી વખતે કારને નડેલા અકસ્માતમાં બે વર્ષના બાળક સહિત સાતનાં મોત થયાં હતાં. કારનું આગળનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાઇકલ સાથે ભટકાયા બાદ કાર નહેરમાં પડી હતી. કારમાં હાજર લોકો બહાર નીકળી શક્યા નહોતા અને મોઢા તથા નાકમાં પાણી ઘૂસી જવાથી તેમનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ઘવાયેલા બે મોટરસાઇકલસવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલા સાત જણની ઓળખ દેવીદાસ પંડિત ગાંગુર્ડે (28), તેની પત્ની મનીષા ગાંગુર્ડે (23), તેમનો બે વર્ષનો પુત્ર ભાવેશ ગાંગુર્ડે તેમ જ ઉત્તમ એકનાથ જાધવ (42), તેની પત્ની અલકા જાધવ (38), દત્તાત્રય નામદેવ વાઘમારે (45) અને તેની પત્ની અનુસયા વાઘમારે (40) તરીકે થઇ હતી. મૃતકો એકબીજાના સંબંધીઓ હતા અને દિંડોરી તાલુકાના અલગ અલગ ગામમાં રહેતા હતા. એમ અધિકારીએ કહ્યું હતું.
ડિંડોરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વણી-ડિંડોરી રોડ પર નર્સરી નજીક બુધવારે રાતના આ અકસ્માત થયો હતો. જાધવ, ગાંગુર્ડે અને વાઘમારે પરિવારના સભ્યો બુધવારે તેમના સંબંધીના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા કારમાં નાશિક ગયા હતા. ત્યાંથી રાતના તેઓ કારમાં કારમાં સરસાલે પાછા આવી રહ્યા હતા ત્યારે વણી-ડિંડોરી રોડ પર અચાનક કારનું આગળનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને કાર સામેથી આવી રહેલી મોટરસાઇકલ સાથે ટકરાયા બાદ ઊંધી વળીને રસ્તાને કિનારે નાની નહેરમાં પડી હતી.
આ અકસ્માતમાં કારના આગળના ભાગને ખાસ્સું નુકસાન થયું હતું. કાર નહેરમાં પડ્યા બાદ તેમાં હાજર લોકો બહાર નીકળી શક્યા નહોતા અને મોઢા તથા નાકમાં પાણી ઘૂસી જવાથી તેમનાં મોત થયાં હતાં. દરમિયાન અકસ્માતની જાણ થતાં ડિંડોરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ત્યાં પહોંચી ત્યારે બંને વાહન નહેરમાં પડેલા નજરે પડ્યાં હતાં.
કારમાંના સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા બંને મોટરસાઇકલસવારને નાશિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોઇ તેમની ઓળખ મંગેશ યશવંત કુરઘડે (25) અને અજય જગન્નાથ ગૌંડ (18) તરીકે થઇ હતી. ડિંડોરી પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.