ગઢ ગણાતા મતવિસ્તારમાં પાતળી સરસાઈથી વિજય
વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ સેના માટે ચિંતાનું કારણ

મુંબઈ: મુંબઈમાં ત્રણ લોકસભા બેઠક પર વિજય મેળવ્યો હોવા છતાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે શિવસેના (યુબીટી) માટે ચિંતા કરવાનું કારણ છે. વિધાનસભ્યોની બેઠકો ધરાવતા વરલી, દિંડોશી અને અંધેરી પૂર્વ વિસ્તારમાં પક્ષના સભ્યો પાતળી સરસાઈ જ મેળવી શક્યા હતા. વિશેષ ચિંતા વરલી મતવિસ્તારની છે, કારણ કે પક્ષના યુવા નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો એ વિધાનસભા મતવિસ્તાર છે.
2022માં શિવસેનામાં ભંગાણ પાડી એકનાથ શિંદે ભારતીય જનતા પક્ષના ગઠબંધન હેઠળ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા પછી આયોજિત થયેલી પ્રથમ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના જૂથે મુંબઈમાં કોનું રાજ ચાલે છે એ સિદ્ધ કરી દીધું છે. મુંબઈમાં એકનાથ શિંદેની શિવસેના માત્ર એક જ બેઠક પર વિજય મેળવી શકી હતી અને એ સુધ્ધાં માત્ર 48 મતના પાતળા તફાવતથી. ઠાકરેની શિવસેના દક્ષિણ મુંબઈની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી અને ઈશાન મુંબઈની બેઠક ભાજપ પાસેથી અને દક્ષિણ મધ્ય મુંબઈની બેઠક શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના પાસેથી આંચકી લેવામાં સફળ રહી હતી.
જોકે, વિધાનસભા મતવિસ્તાર અનુસાર મતદાનની વિગતો ઠાકરે છાવણી માટે ચિંતા જન્માવનારી છે, કારણ કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઠાકરે – શિંદે સેના વચ્ચે મુકાબલો થવાનો છે. પોતાના ગઢ ગણાતા વિસ્તારમાં વાળ પણ વાંકો નહીં થાય એવી માન્યતા ન રાખવી જોઈએ એ જરૂરી છે.