‘Raut ના કારણે દિઘે પર TADA લાગ્યો’: શિંદે જૂથના નેતાનો ચોંકવનારો દાવો…
મુંબઈ: Uddhav Thackeray જૂથના નેતા તેમ જ રાજ્યસભા સાંસદ Sanjay Raut શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેના ઘોર વિરોધી હોવાનો ચોંકાવનારો દાવો એકનાથ શિંદે જૂથના સાંસદ નરેશ મ્હસ્કે દ્વારા કરવામાં આવ્યો છે.
સંજય રાઉત બાળાસાહેબ ઠાકરેને સતત દિઘેની ફરિયાદ કરતા અને ખોટી વાતો કહેતા હોવાનું મ્હસ્કેએ જણાવ્યું હતું.
સંજય રાઉત અને તેમની ટોળકી સાથે મળીને આનંદ દિઘેને રાજકારણમાંથી બહાર કાઢવા માટે કાર્યરત હોવાનું મ્હસ્કેએ કહ્યું હતું.
મ્હસ્કેએ આ વિશે વધુ જણાવતા કહ્યું હતું કે પોતાના વિરુદ્ધ થઇ રહેલા કાવતરાંથી આનંદ દિઘે વ્યથિત હતા. થાણેના ટેંભીનાકા ખાતેના આનંદ આશ્રમમાં પૈસા ઉડાવવામાં આવતા હોવાનો વીડિયો વાઇરલ થયો એ વિશે સંજય રાઉતે કરેલી ટીકાનો જવાબ આપતા મ્હસ્કેએ ઉક્ત દાવાઓ કર્યા હતા.
ફક્ત એટલું જ નહીં મ્હસ્કેએ અત્યંત કડક એવી ટાડા(ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ) કલમ દિઘે વિરુદ્ધ લગાવવામાં આવી એની પાછળ પણ સંજય રાઉતનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. મ્હસ્કેએ કહ્યું હતું કે રાઉત હંમેશાથી દિઘેથી દ્વેષ કરતા આવ્યા છે અને ખોપકર હત્યાકાંડ પછી તેમણે લખેલા લેખના કારણે જ દિઘે પર ટાડા લાગ્યો હતો, જેથી દિઘેએ જેલમાં ઘણી યાતનાઓ સહન કરવી પડી હતી. થાણેમાં દિઘેની વિરુદ્ધ શિવસેનાના જ અનેક લોકો હોવાનો આરોપ પણ મ્હસ્કેએ કર્યો હતો.