મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે આજે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી નેટના કારણે તેમનો જીવ બચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરિ ઝિરવાલ એનસીપી (અજિત પવાર) જૂથના વિધાન સભ્ય છે. આમ જો જોવામાં આવે તો તેઓ પોતાની સરકારનો જ વિરોધ કરી રહ્યા છે.
આ ઘટના શુક્રવારે એટલે કે આજે બની છે. ઝિરવાલે ST ક્વોટામાં ધનગર સમુદાયને અનામત આપવાના વિરોધમાં મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો, જેને કારણે ભારે અરાજકતા સર્જાઇ ગઇ હતી. જોકે, મંત્રાલયમાં નેટ લગાવી હોવાથી તેઓ નેટ પર પડ્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો :રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખર પોતાની ખુરશી છોડી કેમ બહાર ચાલ્યા ગયા
શુક્રવારે આદિવાસી ધારાસભ્યો ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિ ક્વોટામાં અનામત આપવાના વિરોધમાં મંત્રાલયમાં વિરોધ કરી રહ્યા હતા. આ સંબંધે ઝિરવાલે આજે કેટલાક વિધાનસભ્યો સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત પણ કરી હતી, પણ તેમની બેઠક નિષ્ફળ રહી હતી. ત્યાર બાદ ઝિરવાલે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આ પછી, કેટલાક અન્ય વિધાન સભ્યો પણ સૂત્રોચ્ચાર કરતા સુરક્ષા જાળ પર ઉતરી આવ્યા હતા. હંગામો વધતો જોઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા વિધાન સભ્યોને સુરક્ષા નેટમાંથી હટાવી દીધા હતા.
એમ પણ જાણવા મળ્યું છે કે ઉંચાઇ પરથી પડવાને કારણે ઝિરવાલનું બ્લડ પ્રેશર વધી ગયું છે. તેમને તપાસવા માટે ડૉક્ટરોની એક ટીમ પણ મંત્રાલયમાં પહોંચી હતી. હાલમા તેમને સુરક્ષા વચ્ચે મંત્રાલયમાં જ રાખવામાં આવ્યા છે.