લાડકી બહેન યોજના: નંદુરબારમાં નાસભાગમાં બે મહિલા બેભાન, કેવાયસી માટે જોરદાર ભીડ
મુંબઈ: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં રાજ્ય સરકારની ‘મારી લાડકી બહેન‘ યોજના માટે દસ્તાવેજો રજૂ કરવા 100થી વધુ સંખ્યામાં લોકો ઉમટી પડતા એક રાષ્ટ્રીયકૃત બેંકની બહાર નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાતા બે મહિલા બેભાન થઈ ગઈ હતી એમ પોલીસે આજે જણાવ્યું હતું.
આ ઘટના ધડગાંવમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ની એક શાખાની બહાર બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ બની હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. બેંકની બહાર 100થી વધુ સંખ્યામાં લોકો એકઠા થયા હતા જેમાં મોટા ભાગની મહિલાઓ હતી. ‘મારી લાડકી બહેન’ યોજના માટે ઇ-કેવાયસી પ્રક્રિયા માટે દસ્તાવેજો રજૂ કરવા માટે ભીડ સવારથી જ એકઠી થઈ હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ ઘટના સ્થળે તરત પહોંચી ગઈ હતી અને મહિલાઓને તબીબી સારવાર માટે મોકલવામાં આવી હતી એવી જાણકારી પોલીસ અધિકારીએ આપી ઉમેર્યું હતું કે આદિવાસી ગામોમાંથી લોકો લગભગ 20થી 30 કિલોમીટરની મુસાફરી કરીને ધડગાંવ આવ્યા હતા.
આ પણ વાંચો : લાડકી બહેન યોજનાની નોંધણી માટેની કટ-ઓફ તારીખ રદ કરો: પૃથ્વીરાજ ચવ્હાણે એકનાથ શિંદેને લખ્યો પત્ર
‘મારી લાડકી બહેન’ યોજના હેઠળ 21-60 વર્ષની વય જૂથની પરણિત, છૂટાછેડા લીધેલી અને નિરાધાર મહિલાઓને માસિક 1,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. યોજનામાં 2.5 લાખ રૂપિયાની વાર્ષિક પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી છે.
(પીટીઆઈ)