નાંદેડ કરુણાંતિકાઃ દવાની કે કર્મચારીઓની કોઈ અછત નથી-મુખ્ય પ્રધાન
મુંબઈ: નાંદેડમાં ૨૪ કલાકમાં ચોવીસ લોકોનાં મોત થયા બાદ બીજા સાત લોકોનાં મોત થયા હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગના કારભાર અંગે નારાજગી ફેલાઈ છે. આરોગ્ય વિભાગમાં દવા અને કર્મચારીઓની અછત હોવાને કારણે આ મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે એવો ખુલાસો કર્યો હતો કે નાંદેડની હોસ્પિટલમાં મૃત્યુના બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે અને ઊંડી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવા આક્ષેપો નકારી કાઢ્યા હતા કે કે દવાની કે કર્મચારીઓની હોસ્પિટલમાં અછત હતી.
નાંદેડની ડૉ. શંકરરાવ ચવ્હાણ ગવર્ન્મેન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૪૮ કલાકની અંદર ૩૧ લોકોનાં મોત થયા છે. સાપ્તાહિક કેબિનેટની બેઠક બાદ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે હૉસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો અને કર્મચારીઓ પણ પૂરતા ઉપલબ્ધ છે. મૃતકોમાં અનેક લોકો વૃદ્ધ, હૃદયની બિમારી, ઓછું વજન ધરાવતા નવજાત બાળકો અથવા અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ હતા. આ મૃત્યુ કમનસીબ છે. અમે બનાવને ગંભીરતાથી લીધો છે. તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
બિહારમાં જાતી આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી અને મહારાષ્ટ્રના વિપક્ષ દ્વારા આ જ આધારે વસ્તી ગણતરી કરવાની માગણી થઈ રહી છે તે બાબતે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે બિહારમાં આ સર્વેક્ષણના પરિણામો જોઈ લેવા દ્યો. આવશ્યકતા પડશે તો અહીં પણ આપણે આવી રીતે સર્વેક્ષણ કરાવીશું.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર કેબિનેટની બેઠકમાં હાજર રહ્યા નહોતા તે અંગે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ હાજર રહ્યા નહોતા, આ અંગે કોઈ તારણો કાઢવા લાગતા નહીં.
કેબિનેટની બેઠકમાં પાકની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે પંચનામા વહેલી તકે પૂરા કરવા અને ભારે વરસાદને કારણે નુકસાન થયેલા પાક પેટે આર્થિક સહાય આપવામાં આવશે.
રાજ્યમાં દિવાળી માટે ‘આનંદાચા શિધા’ આપવામાં આવશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી. લઘુમતી કોમના ૨૭ વિદ્યાર્થીને દરવર્ષે વિદેશમાં ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું.
આઈસીયુની ક્ષમતા ૨૪ની, દર્દી ૬૫
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્ર સરકારની નાંદેડ હૉસ્પિટલમાં નવજાત શિશુના ઈન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઇસીયુ)માં ૨૪ દર્દીની સારવાર કરવાની ક્ષમતા છે જ્યારે એની સામે કુલ ૬૫ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી એમ એક વરિષ્ઠ ડોક્ટરે મંગળવારે જણાવ્યું હતું. ૩૦ અને પહેલી ઑક્ટોબર દરમિયાન એનઆઇસીયુમાં ૧૧ નવજાત શિશુ મૃત્યુ પામ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર નાંદેડ સ્થિત ડૉ. શંકરરાવ ચવાણ મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં ૩૦ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબર દરમિયાન ૨૪ કલાકમાં ૧૨ નવજાત શિશુ સહિત ૨૪ જણના મૃત્યુ થયા હતા. હૉસ્પિટલમાં કાર્યરત એક વરિષ્ઠ
ડોક્ટરે પીટીઆઈને જણાવ્યું હતું કે આ નવજાત શિશુનું અવસાન થયું ત્યારે એનઆઈસીયુમાં ૨૪ દર્દીની ક્ષમતા સામે ૬૫ની સારવાર થઈ રહી હતી. એક નવજાત શિશુનું અવસાન પિડીયાટ્રીક્સ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં થયું હતું. નાંદેડની હૉસ્પિટલના પિડીયાટ્રીક્સ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. કિશોર રાઠોડે ઔષધની અછત નવજાત શિશુના મૃત્યુ માટે જવાબદાર હોવાની સંભાવના નકારી હતી. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ‘એનઆઈસીયુમાં જે ૧૧ મૃત્યુ થયા એમાંથી આઠ શિશુ કટોકટીના તબક્કે અહીં લાવવામાં આવ્યા હતા. એ શિશુઓનું વજન એક કિલો કરતા પણ ઓછું હતું. પિડીયાટ્રીક્સ ઈન્ટેન્સિવ કેર યુનિટની ક્ષમતા ૩૧ દર્દીને સમાવવાની છે, પણ અહીં ૩૨ દર્દીઓની સારવાર થઈ રહી હતી.’ (પીટીઆઈ)
હોસ્પિટલના ડીન પાસે શૌચાલય સાફ કરાવાયું
મુંબઈ: નાંદેડની હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ૩૧ લોકોના મોત થયા છે અને તેને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે મંગળવારે નાંદેડની હોસ્પિટલના ડીનને શૌચાલય સાફ કરવાનો વારો આવ્યો હતો. શિવસેનાના સંસદસભ્ય હેમંત પાટીલ મંગળવારે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને શૌચાલય અને હોસ્પિટલની અસ્વચ્છતા જોઈને ભડકી ઉઠ્યા હતા. તેમણે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું હતું.
તમારી પાસે શૌચાલયમાં વાપરવા માટે ડબલાં નથી અને તમે શૌચાલયનો ઉપયોગ પણ નથી કરતા એવા લોકો પર ચિલ્લાઈ રહ્યા છો. તમે (ડોક્ટરો અને ડીન) ઘરમાં પણ
આવી જ રીતે કામ કરો છો? એવું પાટીલ બોલી રહ્યા હોવાનું વાઈરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યું હતું.
તેમણે એક ડોક્ટરને બીજી બાલદી લાવવાનો આદેશ આપ્યો હતો. તમારી મેડિકલ કોલેજમાં ફક્ત આ એક જ બાલદી છે? એવો સવાલ કરતાં તેઓ સંભળાયા હતા.
આ વિડીયોમાં પાટીલ ડીનને ઝાડુ આપતા દેખાય છે અને કાર્યકારી ડીન એસ. આર. વાકોડે ટોઈલેટ સાફ કરતાં દેખાય છે.
સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ મને અહીંની સ્થિતિ જોઈને દુ:ખ થાય છે. શૌચાલયો મહિનાઓથી સાફ કરવામાં આવ્યા નથી. શૌચાલયોમાં પાણી નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના હેમંત પાટીલે કહ્યું હતું કે મેં ડીનની ઓફિસમાં જઈને જોયું તો તેમનું વોશ બેસીન તુટેલું હતું અને નળમાં પાણી નહોતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ લોકો સરકાર પાસેથી પગાર લેવા છતાં નજીવું કામ કરીને બેદરકારી દાખવતા હોવાથી બધાની સામે ગુનો નોંધવા માટે મુખ્ય પ્રધાનને વિનંતી કરીશ.