નાંદેડમાં ‘વિચિત્ર’ દુર્ઘટનાઃ ટ્રેક્ટર કૂવામાં ખાબકતા આઠનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન જારી

હિંગોલીઃ મધ્ય પ્રદેશમાં કૂવામાં સફાઈ કરવા ઉતરેલા આઠ શ્રમિકના મોતના અહેવાલ પછી આજે મહારાષ્ટ્રના નાંદેડમાં કૂવામાં ટ્રેક્ટર પડવાનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઠ મહિલા શ્રમિકના મોત થયા હતા. આ દુર્ઘટના પછી હિંગોલી અને નાંદેડની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખેતમજૂર મહિલાઓ બની અકસ્માતનો ભોગ
નાદેડમાં આ દુર્ઘટના સવારના નવ વાગ્યાના સુમારે બની હતી. નાંદેડ જિલ્લાના અલેગાંવ શિવરામાં એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. મહિલા ખેતમજૂરને લઈ જનારું ટ્રેક્ટર અચાનક કૂવામાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. રસ્તામાં કૂવાનો કોઈ અંદાજ નહીં આવતા ટ્રેક્ટર સીધું કૂવામાં ખાબક્યું હતું.

ટ્રેક્ટરને બહાર કાઢવા માટે ક્રેઈનને બોલાવાઈ
નાંદડેમાં આ દુર્ઘટના પછી તાત્કાલિક સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ સાથે રેસ્કયૂ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને કૂવામાં પડેલ મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, વરસાદને કારણે રસ્તો લપસણો બન્યો હતો. આ બનાવ પછી સ્થાનિક પોલીસની સાથે રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલના તબક્કે કૂવામાં પડેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે, જ્યારે ટ્રેક્ટર ટ્રોલીને બહાર કાઢવા માટે ક્રેઈનને બોલાવવામાં આવી છે. લખાય છે ત્યારે પોલીસે બે મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી, જ્યારે હજુ પણ મહિલાઓ કૂવામાં હોવાની શક્યતા છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : સીઆઈએસએફના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લેતાં મહિલાનું મોત
અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ
સાક્ષીઓએ કહ્યું હતું કે વરસાદને કારણે રસ્તાઓ લપસણા બન્યા હતા. કૂવાની નજીકથી ટ્રેક્ટર પસાર થયું ત્યારે ટ્રેક્ટરચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પાણી ભરેલા કૂવામાં પડ્યું હતું. ટ્રેક્ટર કૂવામાં પડતા પૂરું ટ્રેક્ટર ડૂબ્યું હતું, જ્યારે એક જ ટાયર બહાર જોવા મળતું હતું. અકસ્માત પછી પીડિતોને બચાવવાની કામગીરી તાત્કાલિક હાથમાં ધરી હતી. ટ્રેક્ટરમાં કેટલા લોકો બેઠા હતા એનો કોઈ અંદાજ નથી. જોકે અસરગ્રસ્ત મહિલાઓ મોટા ભાગની હિંગોલી જિલ્લાના વસમત તાલુકાના ભુજ ગામની રહેવાસી છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી