સરપંચ હત્યા કેસ: કોંગ્રેસે નિષ્પક્ષ તપાસ માટે ધનંજય મુંડેને મહારાષ્ટ્ર કેબિનેટમાંથી હટાવવાની માગણી કરી…
પરભણી: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સોમવારે બીડના સરપંચ હત્યા કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે એનસીપી નેતા ધનંજય મુંડેને કૅબિનેટમાંથી બરતરફ કરવાની માગણી કરી હતી.
આ પણ વાંચો : રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારને મળ્યા…
કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે બીડના શાસક મહાયુતિના વિધાનસભ્યના ખાદ્ય અને નાગરી પુરવઠા પ્રધાન અને આરોપી વ્યક્તિ વચ્ચે કથિત સંબંધો છે.
બીડના શાસક મહાયુતિના વિધાનસભ્યોએ ગયા અઠવાડિયે વિધાનસભામાં ચર્ચા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પ્રધાન (મુંડે) અને કથિત આરોપી વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો, એમ પટોલેએ પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બીડમાં માફિયાઓ સામે કાર્યવાહી ન કરીને તેમને મજબૂત બનાવ્યા છે.
ન્યાયી અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ર્ચિત કરવા માટે મુંડેને પ્રધાન મંડળમાંથી હટાવવા જોઈએ, એમ પટોલેએ ઉમેર્યું હતું.
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું 9 ડિસેમ્બરના રોજ અપહરણ કરીને હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓમાંથી એક વિષ્ણુ ચાટેએ જિલ્લામાં પવનચક્કી સ્થાપિત કરતી ઊર્જા કંપની પાસેથી કથિત રીતે 2 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને જો તેમની માગણીઓ પૂર્ણ નહીં થાય તો તેમનું કામકાજ બંધ કરાવવાની ધમકી આપી હતી.
દેશમુખે દરમિયાનગીરી કરીને ખંડણી રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમનું કારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા કથિત રીતે ત્રાસ આપીને તેમની હત્યા કરવામાં આવી હતી, જેના પગલે ચાટે સહિત સાત વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું.
વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે વાલ્મિક કરાડ નામનો એક વ્યક્તિ હત્યાનો મુખ્ય સૂત્રધાર હતો. તેમણે દાવો કર્યો હતો કે કરાડ બીડ જિલ્લાના ધનંજય મુંડેનો નજીકનો સાથી છે.
કરાડનું હત્યા કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : પુણેમાં મોટો અકસ્માત, ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા, 3ના મોત
ગૃહ વિભાગ સંભાળતા ફડણવીસે સરપંચની કથિત હત્યાની ન્યાયિક તપાસની જાહેરાત કરી છે.