કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની રાજ્યમાં સરકાર બનાવવાનો પટોલેનો દાવોઃ રાઉતે વાંધો ઉઠાવ્યો…

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના મતદાનના એક દિવસ બાદ આજે કૉંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર બનશે, પરંતુ પટોલેના આ નિવેદનથી એમવીએનો સાથી પક્ષ શિવસેના-યુબીટી ખુશ ન હોય એવું જણાયું હતું, કારણ કે તેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનનો ચહેરો સાથી પક્ષો સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી વધવાથી કોને ફાયદો થશે? દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો દાવો…
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીની સરકાર સત્તા પર આવશે. કૉંગ્રેસને વધુ બેઠકો મળશે એવા સંકેત મળી રહ્યા છે’, એમ પટોલેએ જણાવ્યું હતું.
પટોલેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર આવશે એ બરાબર છે, પણ મુખ્ય પ્રધાન વિશે સાથી પક્ષો વચ્ચે ચર્ચા થઇને જ નક્કી કરાશે.
કૉંગ્રેસના હાઇ કમાન્ડે પટોલેને કહ્યું હશે કે તેઓ સીએમનો ફેસ છે તો કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ અંગેની જાહેરાત કરવી જોઇએ, એમ રાઉતે કહ્યું હતું.
આ પણ વાંચો : ચૂંટણી પરિણામ પહેલા જ શરદ પવારના ઉમેદવારે કાઢી વિજયી રેલી
મતદાન બાદ ઘણા એક્ઝિટ પોલમાં રાજ્યમાં મહાયુતિની સરકાર બનશે એવી આગાહી કરી હતી. રાઉતે એક્ઝિટ પોલને ફગાવી કાઢતા તેને ‘ફ્રોડ’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે રાજ્યમાં એમવીએને ૧૬૦ બેઠક મળશે અને રાજ્યમાં સરકાર પણ એમવીએની જ હશે.