મહારાષ્ટ્રના ચાર કિલ્લામાં ‘નમો ટૂરિઝમ ઇન્ફર્મેશન સેન્ટર’

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાદેશિક પર્યટન માળખાને વેગ આપવા અને મુલાકાતીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્યના અગ્રણી હેરિટેજ કિલ્લાઓમાં ચાર ‘નમો ટૂરિઝમ ઇન્ફર્મેશન એન્ડ ફેસિલિટી સેન્ટર્સ’ સ્થાપવાની મંજૂરી આપી છે.
સરકારી ઠરાવ (જીઆર) અનુસાર, 2025-26 માટે પ્રાદેશિક પર્યટન વિકાસ યોજના હેઠળ રાયગઢ, પ્રતાપગઢ, શિવનેરી અને સાલ્હેર કિલ્લામાં આ કેન્દ્રો બનાવવામાં આવશે.
આપણ વાચો: પ્રાદેશિક ભાષામાં એઆઇ?
પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના વિભાગે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાંથી 5 કરોડ રૂપિયા શરૂઆતમાં અમલીકરણ માટે પ્રવાસન નિયામકને આપવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘નમો પર્યટન કેન્દ્રો મહારાષ્ટ્રના પર્યટન વિસ્તારનો અભિન્ન ભાગ બનશે અને મુલાકાતીઓને હેરિટેજ સ્થળોમી મુલાકાત સહેલાઈથી થઈ શકે એમાં મદદરૂપ થશે. ભવિષ્યમાં સરકાર આ આયોજન 75 ટુરિસ્ટ સ્થળ પર વિસ્તારવા માગે છે.’
દરેક નમો કેન્દ્ર મુલાકાતીઓને સંપૂર્ણ જાણકારી અને આવશ્યક સુવિધા આપી શકે એ રીતે તૈયાર કરવાનું આયોજન છે. પર્યટન વિભાગે એ પણ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્રોએ પાણી અને ઊર્જા કાર્યક્ષમતા સહિતના ટકાઉ ડિઝાઇન સિદ્ધાંતોનો સમાવેશ કરવો જોઈએ અને નજીકમાં રહેતા સમુદાયોને લાભ આપવા માટે પરિસરમાં સ્થાનિક કલા, રાંધણકળા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવું જોઈએ.



