નાલાસોપારામાં અનેક વિદ્યાર્થિનીઓ સાથે કુકર્મ? એક સ્ટુડન્ટ પર બળાત્કાર પછી શાળા પર મોરચો લઇ ગયેલા વાલીઓનો આક્ષેપ
વસઇ: નાલાસોપારા પૂર્વમાં આવેલી શાળામાં 14 વર્ષની વિદ્યાર્થિની પર શિક્ષક દ્વારા બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ મંગળવારે શાળાની બહાર આંદોલન કરીને શાળા બંધ કરવાની માગણી કરી હતી. બીજી તરફ શાળાની અનેક વિદ્યાર્થિનીઓ ઉપરાંત શિક્ષિકાઓનું પણ જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ પીડિત વિદ્યાર્થિનીના ભાઇએ કર્યો છે.
નાલાસોપારા પૂર્વમાં સંતોષ ભુવન ખાતે અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે અને તેનો શિક્ષક અમિત દુબે (30) વલઇપાડામાં ખાનગી ક્લાસીસ ચલાવે છે. દુબે છેલ્લા પાંચ મહિનાથી શાળાની 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પીડિતાને ધમકાવીને તે શાળા તેમ જ ક્લાસીસમાં બળાત્કાર ગુજારતો હતો. પીડિતાના પરિવારજનોને આની જાણ થયા બાદ તેમણે પેલ્હાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : નાલાસોપારામાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના ચોરનારા પકડાયા
પેલ્હાર પોલીસે આ ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને શિક્ષક અમિત દુબેની ધરપકડ કરી હતી. દરમિયાન વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરાયું હોવાની જાણ થતાં ઉશ્કેરાયેલા વાલીઓએ મંગળવારે શાળા પર મોરચો કાઢ્યો હતો અને શાળા બંધ કરવાની માગણી કરી હતી. શિક્ષકના આ કરતૂતોની જાણ પીડિતાએ શાળાના સંચાલકોને કરી હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા હતા અને તેને ચૂપ રહેવાની સલાહ આપી હતી, એવો આરોપ પરિવારજનોએ કર્યો હતો. દરમિયાન વાતાવરણ તંબ બનતાં પોલીસે ત્યાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો