રોડ રેજની ઘટનામાં આરોપીના પરિવારના સભ્યોએ કરેલા હુમલામાં યુવકનું મોત…

પાલઘર: નાલાસોપારામાં બનેલી રોડ રેજની ઘટનામાં આરોપીના પરિવારના સભ્યોએ મારપીટ પછી લોખંડના સળિયાથી હુમલો કરતાં યુવકનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી.
Also read : મુંબઈ એરપોર્ટ પરથી 15.85 કરોડ રૂપિયાનાં ગાંજા સાથે સુરતનાં ચાર યુવકની ધરપકડ
ડેપ્યુટી પોલીસ કમિશનર પૂર્ણિમા ચૌગુલે-શ્રીંગીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે નાલાસોપારા વિસ્તારમાં બની હતી. મૃતક સૌરભ મિશ્રા મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આરોપી સાથે વિવાદ થયો હતો.
સૌરભની બાઈકનો ધક્કો આરોપી કૌશિક ચવાણને લાગ્યો હતો, જેને પગલે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં કૌશિકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને સૌરભ અને તેના મિત્રની મારપીટ કરી હતી.
બન્ને યુવક પર લોખંડના સળિયા અને બીજા શસ્ત્રોથી હુમલો કરાયો હતો, જેમાં બન્ને ગંભીર રીતે ઘવાયા હતા. બન્નેને અલગ અલગ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન સૌરભનું મૃત્યુ થયું હતું.
Also read : મહારાષ્ટ્રના લાતુરમાં હાઇ-વે પર એસટી બસ પલટીઃ 38 જણ ઘાયલ
આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી એક જ પરિવારના પાંચ સભ્યની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)