નાલાસોપારામાં હત્યાકેસનો ફરાર આરોપી 16 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી પકડાયો…
પાલઘર: નાલાસોપારામાં યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને 16 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
આ પણ વાંચો : વિદેશથી સામાનમાં છુપાવી લવાયેલા ચાર હોર્નબિલપક્ષીનો છુટકારો: બે પ્રવાસીની ધરપકડ…
મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટે સોમવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિનોદકુમાર ભુદીરામ સિંહ ઉર્ફે ઝુરી તરીકે થઇ હતી.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) મદન ભલ્લાળે જણાવ્યું હતું કે નાલાસોપારાના ગામમાં 19 જાન્યુઆરી, 2009ના રોજ 26 વર્ષના પ્રવીણ પ્રભાકર ધુળે પર ટોળાએ હુમલો કર્યો હતો. બાદમાં સિકંદર ઇમરાન શેખ અને અનિલ ધુર્વી સિંહે ગોળી મારીને ધુળેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે તપાસ આદરી હતી અને 2011માં 12 જણની ધરપકડ કરી હતી, જેમની સામે બાદમાં આરોપનામું દાખલ કરાયું હતું.
આ પણ વાંચો : પુણેના મ્યુઝિકલ કોન્સર્ટમાંથી 36 મોબાઈલ ચોરાયા: ચારની ધરપકડ…
આ કેસમાં વિનોદકુમાર સિંહ ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. તાજેતરમાં પોલીસને માહિતી મળી હતી કે વિનોદકુમાર ઉત્તર પ્રદેશમાં છુપાયો છે. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશ રવાના થઇ હતી અને વિનોદકુમારને તેના નિવાસેથી પકડી પાડ્યો હતો. વિનોદકુમારના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને નાલાસોપારા લાવવામાં આવ્યો હતો. (પીટીઆઇ)