નાલાસોપારામાં ડ્રગ્સ બનાવવાના કારખાના પર પોલીસની કાર્યવાહી: પાંચની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડ્રગ્સ વિરોધી કાર્યવાહી દરમિયાન મુંબઈ પોલીસના ઝોન-6ના અધિકારીઓની સ્પેશિયલ ટીમે નાલાસોપારામાં ધમધતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર કાર્યવાહી કરી હતી. આ કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી સાત કિલો મેફેડ્રોન ડ્રગ્સ (એમડી) અને કાચો માલ મળી અંદાજે 13.44 કરોડ રૂપિયાની મતા હસ્તગત કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ સોહેલ અબ્દુલ રૌફ ખાન (36), મેહતાબ શેરઅલી ખાન (29), ઈકબાલ બિલાલ શેખ (33), મોહસીન કય્યુમ સૈયદ (40) અને અયુબઅલી અબુબકર સિદ્દીકી (23) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
આપણ વાચો: ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર થાણે પોલીસની કાર્યવાહી
ઝોન-6ના ડેપ્યુટી પોલીસ કમિશનર સમીર શેખે જણાવ્યું હતું કે ઘાટકોપરના છેડા નગર પરિસરમાં એક શખસ એમડી વેચવાને ઇરાદે આવવાનો હોવાની માહિતી પાંચમી ઑક્ટોબરે મળી હતી. માહિતીને આધારે પોલીસે શખસને તાબામાં લઈ તેની પાસેથી 58 ગ્રામ એમડી જપ્ત કર્યું હતું. પૂછપરછમાં તેણે આપેલી માહિતી પરથી વધુ ત્રણ આરોપીને મુંબઈ અને મીરા રોડથી પકડી પાડવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓએ પનવેલમાં રહેતા મુખ્ય આરોપી અયુબઅલી સિદ્દીકી પાસે ડ્રગ્સ પ્રાપ્ત કર્યું હોવાની જાણકારી આપી હતી. પોલીસે છટકું ગોઠવી સિદ્દીકીને અંધેરી પરિસરમાંથી તાબામાં લીધો હતો. સિદ્દીકીએ જ નાલાસોપારાના પેલ્હાર માં ખૈરપાડા ખાતેના કારખાનાની માહિતી આપી હતી.
આપણ વાચો: ડ્રગ્સની તસ્કરીમાં ‘ફોટો કોડ’નો ઉપયોગ
માહિતીને આધારે પોલીસે કારખાના પર રેઇડ કરી હતી. કારખાનામાંથી સાત કિલો એમડી, કાચો માલ અને ડ્રગ્સ બનાવવા માટેનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. અંદાજે 13.44 કરોડ રૂપિયાની મતા જપ્ત કરાઈ હતી. આ કારખાનામાં એમડીનું ઉત્પાદન કરાતું હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
કારખાનું કોણ ચલાવતું હતું અને ડ્રગ્સ અન્ય કયા વિસ્તારોમાં સપ્લાય કરાયું હતું તેની તપાસ પોલીસ કરી રહી છે. આ રૅકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.



