આમચી મુંબઈ

નાલાસોપારામાં બિલ્ડરની આત્મહત્યાના કેસમાં બે કોન્સ્ટેબલની ધરપકડ: બન્નેને સસ્પેન્ડ કરાયા

બિલ્ડરની કારની ડિકીમાંથી મળેલી સુસાઈડ નોટમાં કોન્સ્ટેબલોના ત્રાસની વિગતો મળી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પોલીસના ત્રાસથી કંટાળીને નાલાસોપારામાં બિલ્ડરે કથિત આત્મહત્યા કર્યાના કેસમાં બે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા બન્ને કોન્સ્ટેબલને પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
બિલ્ડરની પુત્રીની ફરિયાદને આધારે આચોલે પોલીસે બુધવારે મળસકે બે કોન્સ્ટેબલ શ્યામ શિંદે અને રમેશ મહાજન તેમ જ લાલા લજપત વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ કોન્સ્ટેબલો શિંદે અને મહાજનની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે બન્નેને પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

નાલાસોપારાના આચોલે રોડ પરની રશ્મી ક્લાસિક બિલ્ડિંગમાં રહેતા બિલ્ડર જયપ્રકાશ ચૌહાણે મંગળવારે દીકરીના ચંદ્રેશ હિલ્સ ઈમારતના ફ્લૅટમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ચૌહાણની કારની ડિકીમાંથી તેના દીકરાને સુસાઈડ નોટ મળી આવી હતી.

આ પણ વાંચો: ડોમ્બિવલીમાં યુવકે ગળાફાંસો ખાધો: વ્હૉટ્સઍપ ચેટ્સને આધારે મહિલા વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો

સુસાઈડ નોટના લખાણ અને ચૌહાણની દીકરીએ કરેલા આરોપોને આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ચૌહાણે દસ વર્ષ અગાઉ ઓમ શ્રીજી હાઉસિંગ સોસાયટીનું બાંધકામ શરૂ કર્યું હતું. ક્ધસ્ટ્રક્શન કામ માટે ચૌહાણે કોન્સ્ટેબલ શિંદે અને મહાજન પાસેથી 33 લાખ રૂપિયા લીધા હતા.

ઊંચી રકમના વ્યાજ પર આ રકમ ચૌહાણને આપવામાં આવી હતી. બાદમાં શિંદેએ સંબંધિત બિલ્ડિંગમાં બે ફ્લૅટ નામે કરાવી લીધા હતા. બિલ્ડરે 32 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં તેને ત્રાસ આપવામાં આવતો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

આ પણ વાંચો: નણંદના ત્રાસથી કંટાળીને મહિલાએ છ વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા

સુસાઈડ નોટમાં જણાવાયું હતું કે બિલ્ડિંગના છ માળ બાંધવામાં આવ્યા પછી કોન્સ્ટેબલે બાંધકામ છોડી દેવા દબાણ કર્યું હતું. બાંધકામ માટે બીજા બિલ્ડરની પસંદગી કરવામાં આવી હોવાનું તેમનું કહેવું હતું. બિલ્ડરને ધમકાવવા માટે આરોપી લાલા લજપતનો ઉપયોગ કરાયો હતો.

પોલીસના ત્રાસથી કંટાળી બિલ્ડરે મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો અને દીકરીના ફ્લૅટમાં રહેવા ગયો હતો. બાદમાં દીકરીના મોબાઈલ પર પણ આરોપીએ ફોન કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

મંગળવારે ફરિયાદી પિતાને મળવા પોતાના ફ્લૅટમાં ગઈ ત્યારે આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. એન્ટિ-ટ્રાફિકિંગ સેલમાં ફરજ બજાવતા શિંદે અને આર્થિક ગુના શાખાના કોન્સ્ટેબલ મહાજનને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button