આમચી મુંબઈ

ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની કરી હત્યા: ડૉક્ટર, તેના ભાઇની ધરપકડ…

નાગપુર: નાગપુરમાં ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની હત્યા કરવા બદલ ડૉક્ટર અને તેના ભાઇની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે હત્યાને લૂંટના ગુના તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
રાયપુર ખાતેની ખાનગી મેડિકલ કોલેજમાં ભણાવતો ડો. અનિલ રાહુળે તેની પત્ની ડૉ. અર્ચનાના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેને કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ડૉ. રાહુળેએ પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને રાહુળેના ભાઇ રાજુએ 9 એપ્રિલે અર્ચનાના માથામાં લોખંડનો સળિયો ફટકાર્યો હતો. મૃતક અર્ચના ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ફિઝિયોથેરપી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતી હતી.

ડૉ. રાહુળે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી તેમની વચ્ચે ઝઘડા થતા અને રાહુળે તેની મારપીટ પણ કરતો હતો.
દરમિયાન રાહુળેએ તેના ભાઇ રાજુને 9 એપ્રિલે લાડીકર લેઆઉટ ખાતેના પોતાના નિવાસસ્થાને બોલાવ્યો હતો. રાહુળેએ તેની પત્નીને જમીન પર પાડ્યા બાદ તેના પગ પકડી રાખ્યા હતા, જ્યારે રાજુએ તેના માથામાં લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. હત્યા બાદ બંને ભાઇએ સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમનો ઉપયોગ કરી ઘર લૉક કરી દીધું હતું અને ત્યાંથી તેઓ ફરાર થઇ ગયા હતા.

રાહુળે 12 એપ્રિલે ઘરે પાછો ફર્યો હતો અને પત્નીને મૃત જોઇને બૂમાબૂમ કરી મૂકી હતી. પરિણામે બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ લૂંટનો ગુનો હોવાનું લાગ્યું હતું. જોકે મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી પોલીસને શંકા ગઇ હતી. રાહુળે બેચેન હોવાનું તથા બેહોશ થવાનો ડોળ કરી રહ્યો હોવાનું જણાતાં પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આથી પોલીસે રાહુળેને તાબામાં લઇ આકરી પૂછપરછ કરતાં તેણે હત્યાનો ગુનો કબૂલ્યો હતો, જેને પગલે રાહુળે અને તેના ભાઇની ધરપકડ કરાઇ હતી. હત્યા પાછળ અન્ય કોઇ હેતુ હતો કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઇ)

આપણ વાંચો : બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button