કૅફે માલિકની ગોળી મારી હત્યા:હિરણવાર ગૅન્ગના પાંચ પકડાયા…

નાગપુર: પોતાના કૅફેની બહાર મૅનેજર સાથે ચર્ચા કરતા આઈસક્રીમ ખાઈ રહેલા કૅફે માલિકની અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના કેસમાં નાગપુર ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત હિરણવાર ગૅન્ગના પાંચ સભ્યની ધરપકડ કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ 15 એપ્રિલની રાતે કૅફેના માલિક અવિનાશ ભુસારીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે શૈલેષ ઉર્ફે બંટી હિરણવાર (31), અંકિત હિરણવાર (21), આદર્શ ઉર્ફે ગોટ્યા વાલકર (20), શિબ્બુ રાજેશ યાદવ (20) અને રોહિલ ઉર્ફે ભિકુ મેશ્રામ (20)ની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી નાગપુરના કાચિપુરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) રાહુલ માકનિકરે જણાવ્યું હતું કે 14 એપ્રિલે આંબેડકર જયંતીના સરઘસ વખતે વિરોધી ટોળકીના બેમાંથી એક સભ્યને ગોળીએ દઈ દંગલનો માહોલ ઊભો કરવાની યોજના હિરણવાર ગૅન્ગે બનાવી હતી. આ માટે બે ટાર્ગેટ પણ નક્કી કરાયા હતા, પરંતુ સરઘસમાં બન્નેમાંથી એકેય સામેલ ન થયાં કાવતરાને અંજામ આપી શકાયો નહોતો.
આખરે બીજે દિવસે ગૅન્ગના સભ્યોએ ગોકુળપેઠ વિસ્તારમાં કૅફે બહાર ભુસારી પર હુમલો કરવામાં આવ્યો હતો. ભુસારી તેેના કૅફેની બહાર મૅનેજર સાથે આઈસક્રીમ ખાતો ચર્ચા કરી રહ્યો હતો ત્યારે બે બાઈક પર હુમલાખોર આવ્યા હતા.
પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ભુસારી પર ફાયર કરવામાં આવ્યા હતા, જેમાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની શોધ માટે સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી. ભોપાલ, કોલકતા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને ગોંદિયામાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. આરોપીઓ તેમનું લૉકેશન પોલીસને ન મળે તે માટે વારંવાર મોબાઈલ ફોન અને સિમ કાર્ડ બદલતા હતા. પોલીસે અમુક આરોપીને નવેગાંવ બંધ રેલવે સ્ટેશન અને અન્યોને ગોંદિયા બસ સ્ટેશન ખાતેથી પકડી પાડ્યા હતા. આ કેસમાં વધુ છ આરોપીની પોલીસ શોધ ચલાવી રહી છે. હુમલા માટે ગૅન્ગે ત્રણ પિસ્તોલ ખરીદી હતી. ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ હસ્તગત કરવા પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)
આપણ વાંચો : રેસ્ટોરાંના માલિકની ગોળી મારી હત્યા: ચાર હુમલાખોર ફરાર