નાગપુર બ્લાસ્ટ: મુખ્ય પ્રધાને મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની મદદની જાહેરાત કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગપુરમાં એક ઉપકરણ નિર્માતા કારખાનામાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકો અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
આ કારખાનામાં સંરક્ષણની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના ઉત્પાદનો નિર્માણ થઈ રહ્યા હતા અને મુખ્ય પ્રધાને સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને સંબંધિત બધી જ યંત્રણાને મદદ સંબંધી કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અકસ્માતમાં જખમી થયેલા લોકોને સમયસર અને સારી સારવાર મળે તે જોવાનો પણ આદેશ તેમણે આપ્યો હતો.
આ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નાગપુરમાં સોલર એક્સ્પ્લોઝિવ કંપનીની મુલાકાત લીધી હતી અને અકસ્માતના સ્થળે ચાલી રહેલા બચાવકાર્યની સમીક્ષા કરી હતી. તેમણે બધા જ જખમીઓને યોગ્ય સારવાર મળી રહેશે એવી ખાતરી આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને મળીને તેમને ધીરજ બંધાવી હતી. મુખ્ય પ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે પરિવારજનોને આપી હતી.
બીજી તરફ રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે નાગપુરમાં એક કંપનીમાં થયેલા સ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કરતાં મૃતકના પરિવારજનોને રૂ. પચાસ લાખની મદદ અને કુટુંબની એક વ્યક્તિને નોકરી આપવામાં આવે એવી માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ દળો માટે ડ્રોન અને વિસ્ફોટકો તૈયાર કરનારી કંપનીમાં છ મહિલા સહિત કુલ 9 લોકોનાં મોત થયાં છે અને તેમને સરકારે રૂ. પચાસ લાખની આર્થિક મદદ અને એક પરિવારજનને નોકરી આપવી જોઈએ એવી અમારી માગણી છે.