નાગપાડા-અંધેરીથી રૂ. 42 લાખનું મેફેડ્રોન જપ્ત: ત્રણની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી)ની ટીમે નાગપાડા અને અંધેરી વિસ્તારમાંથી રૂ. 42 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એએનસીના આઝાદ મેદાન યુનિટનો સ્ટાફ મંગળવારે નાગપાડામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે શંકાને આધારે તેમણે યુવકને આંતર્યો હતો. યુવકની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી રૂ. 24 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી યુવક સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન ઘાટકોપર યુનિટના અધિકારીઓએ પણ મળેલી માહિતીને આધારે મંગળવારે અંધેરીના મરોલ વિસ્તારમાં છટકું ગોઠવીને મહિલા સહિત બે જણને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ. 18 લાખનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. બંનેએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે આવ્યા હતા, જેની તપાસ કરાઇ રહી છે.