એમવીએ લોકોને વિકલ્પ આપશે, ગઠબંધનમાં કોઈ ચડિયાતું નહીં: શરદ પવાર
પુણે: આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) એક થઈને કામ કરશે અને મહારાષ્ટ્રના લોકોને વિકલ્પ ઉપલબ્ધ કરાવશે એમ એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે ભારપુર્વક જણાવ્યું હતું.
પત્રકારોને અહીં સંબોધતાં તેમણે કહ્યું હતું કે શિવસેના (યુબીટી), એનસીપી (એસપી) અને કોંગ્રેસનો સમાવેશ કરતા આ ગઠબંધનમાં કોઈ ચડિયાતું નથી.
લોકસભાની ચૂંટણીમાં અત્યંત સારો દેખાવ કરતાં એમવીએએ રાજ્યની 48 બેઠકોમાંથી 30 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શરદ પવારે કરી એક ઉમેદવારની જાહેરાત
ગઠબંધનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તેને અમે સૌહાર્દપર્ણ રીતે ઉકેલીશું. કોઈની વધુ અપેક્ષાઓ અને માંગણીઓની કોઈ સમસ્યા નથી. આ બધા મુદ્દાઓ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ હતા, પરંતુ અમે તેને ઉકેલી નાખ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીમાંથી કોઈ પણ તેમના પક્ષમાં જોડાવા માટે પાછા આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું લોકસભાની ચૂંટણીમાં અમારા ઉમેદવારો માટે કામ કરનારા અમારા લોકો છે અને તેમના હિતોનું રક્ષણ કરવું અમારી જવાબદારી છે. (પીટીઆઈ)