Video: આજે મુંબઈમાં ચૂંટણી પંચ વિરુદ્ધ મોરચોઃ દક્ષિણ મુંબઈ જવાના હો તો જાણી લો

મુંબઈઃ બિહારની ચૂંટણી પહેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગરબડ મામલે ભારે ઉહાપોહ કર્યો હતો અને આ મામલો સપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી આયોજિત ન કરતું હોવાનો અને મતદાર યાદીમાં જ ગરબડ થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મહાવિકાસ આઘાડીના પક્ષો સહિત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ આ મામલે આક્રમક ભૂમિકા લીધી છે.
આજે તેના ભાગ રૂપે સત્યનો મોરચો કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આજે 11 વાગ્યે દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં આ મોરચો નિકળવાનો હોવાથી ફરી ટ્રાફિકની સમસ્યા ઊભી થશે, તેમ લાગી રહ્યું છે. અગાઉ મરાઠા આરક્ષણ આંદોલન સમયે મુંબઈગરાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ મોરચો આઝાદ મેદાન પાસે આવેલી ફેશન સ્ટ્રીટથી બપોરે ૧ વાગ્યે શરૂ થશે. મેટ્રો સિનેમા માર્ગ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રવેશદ્વાર પર અટકશે. મુંબઈકરોને કોઈ અસુવિધા ન થાય તે માટે માર્ચ બપોરે ૧ થી ૪ વાગ્યાની વચ્ચે મોરચાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આજે શનિવાર હોવાથી લોકોની અવરજવર થોડી ઓછી હશે, છતાં જો પહેલેથી વ્યસ્ત એવા મુંબઈના રસ્તાઓ પર એક સાથે હજારો માણસો નીકળી પડે તો ટ્રાફિક સહિતની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે.
કોણ કોણ જોડાશે મોરચામાં
હાલમાં મળતી માહિતી પ્રમાણે મનસે અધ્યક્ષ રાજ ઠાકરે, શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર આ મોરચામાં જોડાનાર છે જ્યારે કૉંગ્રેસના પણ વરિષ્ઠ નેતાઓ આ મોરચામાં જોડાશે, તેમ માનવામાં આવે છે. જોકે આ વિરોધ પ્રદર્શન માટે આઝાદ મેદાન માટે પરવાનગી મુંબઈ પોલીસે આપી ન હતી. હજુ પોલીસની પરવાનગી છે કે નહીં તે મામલે સ્પષ્ટતા નથી.



