બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને આખરી ઓપ આપવા એમવીએની 30 સપ્ટેમ્બર- 1 ઓક્ટોબરે બેઠક: નાના પટોલે
મુંબઈ: મહાવિકાસ આઘાડી આગામી સપ્તાહની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી માટેની બેઠકોની વહેંચણીની વાટાઘાટો પૂર્ણ કરશે, એમ મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રવિવારે જણાવ્યું હતું. એમવીએના નેતાઓ, જેમાં શિવસેના (યુબીટી), શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) અને કૉંગ્રેસનો સમાવેશ થાય છે, બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ બેઠક કરવામાં આવશે, નાના પટોલેએ પત્રકારોને એવી માહિતી આપી હતી.
આ પણ વાંચો: Assembly Election: મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં અસંતોષનું મૂળ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે?
અમે એમવીએ તરીકે ચૂંટણી લડવાના છીએ. આ મુદ્દે કોઈ મતભેદ નથી. અમારી વાટાઘાટો ચાલુ છે, એમ તેમણે કહ્યું હતું. મહાયુતિ (શિવસેના, ભાજપ અને એનસીપીનું બનેલું શાસક ગઠબંધન) પર કટાક્ષ કરતા તેમણે પૂછ્યું હતું કે શું તેમની પાસે મુખ્ય પ્રધાન પદનો ચહેરો પણ છે? બદલાપુર જાતીય શોષણના કેસ અંગે પટોલેએ જણાવ્યું હતું કે, શાળાના મેનેજમેન્ટ (જેમાં અક્ષય શિંદે દ્વારા કથિત રીતે બે સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું) સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે મહા વિકાસ આઘાડી માઝી લાડકી બહેન યોજનાનો વિરોધ કરી રહી નથી જેવો દાવો એકનાથ શિંદે વારંવાર કરે છે. પટોલેએ કહ્યું હતું કે, જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે અમે આ યોજનાને વધુ સારું સ્વરૂપ આપીશું. (પીટીઆઈ)