Assembly Elections: શરદ પવારની નવી માગણીના કારણે MVAમાં ખેંચાખેંચી?
મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ હોય બંનેમાં ત્રણ-ત્રણ મુખ્ય પક્ષો છે અને લોકસભાની ચૂંટણીની જેમ જ વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પૂર્વે રાજ્યમાં મહાગઠબંધન (MVA)ના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચાખેંચી શરુ થઈ ગઈ છે.
પહેલા મહાયુતિમાં અજિત પવાર જૂથ દ્વારા અમુક બેઠકો પરથી ચૂંટણી લડવામાં આવશે તેવો દાવો કરવામાં આવતા વિવાદ ઊભો થયો હતો ત્યારે હવે શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) દ્વારા નાગપુર અને વિદર્ભની બેઠકો પર દાવો માંડવામાં આવતા મહાવિકાસ આઘાડીમાં પણ બેઠકોની વહેંચણીના મુદ્દે માથાકૂટ શરૂ થઇ હોવાનું જણાય છે.
મહાવિકાસ આઘાડીમાં હજી સુધી બેઠકોની વહેંચણી અંગે કોઇપણ સત્તાવાર નિર્ણય લેવાયો નથી કે ચર્ચા નથી થઇ ત્યારે શરદ પવારે આ બંને ક્ષેત્રની બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડવાની માગણી કરતા મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો નારાજ થઇ શકે છે, એમ કહેવાઇ રહ્યું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ, અજિત જૂથના છગન ભુજબળ શરદ પવારના ઘરે પહોંચ્યા
અત્યાર સુધી શરદ પવાર જૂથની એનસીપી નાગપુર જિલ્લામાં ફક્ત કાટોલ અને હિંગાના બેઠકો પરથી ચૂંટણી લડી છે. જોકે, હવે શરદ પવાર જૂથ દ્વારા કાટોલ, હિંગોના અને ઉમરોડ આ ત્રણ બેઠકોની માગણી કરી છે. એટલે કે વિદર્ભ અને નાગપુરની કુલ પાંચ બેઠકો પરથી ચૂંટણી લડવાની માગણી શરદ પવાર જૂથ દ્વારા કરવામાં આવી છે.
વિદર્ભમાં વધુ બેઠકો મળવાની શક્યતા હોવાને પગલે શરદ પવાર જૂથે વિદર્ભ જિલ્લામાં ઓછામાં ઓછી એક બેઠક આપવામાં આવે, તેવી માગણી કરી છે. જેને પગલે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીને પગલે પેચ ઊભો થઇ શકે તેવી શક્યતા જણાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં વિદર્ભની 62 બેઠકોમાંથી એનસીપી(અવિભાજિત) બાર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, હવે દરેક જિલ્લામાંથી એક બેઠકની માગણી શરદ પવાર જૂથ દ્વારા કરાતા ખાસ કરીને કૉંગ્રેસની મુશ્કેલી વધી શકે તેવી શક્યતા છે.