MVAની જાહેરાતથી મહાયુતિમાં ફફડાટઃ ઉદ્ધવ-શરદ પવાર અને ચવ્હાણે કહ્યું હમ સાથ સાથ હૈ
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં એકસાથે લડેલા મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસ હાલમાં જોશમાં છે કારણ કે મહારષ્ટ્રમાં તેમણે 48 બેઠકમાંથી 30 બેઠક પોતાને નામ કરી છે અને બાકીની ઘણી બેઠક ઘણા ઓછા મતથી હારી છે. તેમની માટે અનુકૂળ વાત એ છે કે વિધાનસભાની ચૂંટણી ત્રણ કે ચાર મહિનામાં જ છે, આથી મતદારોને સાચવી રાખવાનું તેમની માટે સહેલું છે. છેલ્લા બે દિવસથી એવી વાતોએ જોર પકડ્યું હતું કે શિવસેના એકલા લડવા પર વિચાર કરી રહી છે, એમવીએમાં ફાંટફૂટના પણ સમાચાર હતા, પરંતુ આ તમામ બાબતો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
આજે વાય બી ચવ્હાણ ઓડિટોરિયમાં ત્રણેય પક્ષોની સંયુક્ત બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં શરદ પવારે ત્રણેય પક્ષ વિધાનસભાની ચૂંટણી સાથે મળી લડશે, તેવી જાહેરાત કરી હતી.
રામ ભાજપમુક્ત થયા
પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ટોણો મારતા કહ્યું હતું કે નાશિકથી માંડી જ્યાં જ્યાં રામ મંદિર છે ત્યાં ભાજપ હારી છે. આથી ભગવાન રામ ભાજપમુક્ત થયા છે. ઠાકરે એનડીએમાં પાછા જશે તેવી અટકળો મામલે તેમણે કહ્યું હતું કે હું એનડીએમાં પાછો નહીં જાઉ. તેમણે એમ પણ જણાવ્યું કે જે લોકો શિવસેના છોડીને ગયા છે તેમને પક્ષમાં પાછા લેવામાં આવશે નહીં. આ માટે તેમણે એક જૂના ગીતની પંક્તિ કહી હતી. पारिजात माझ्या दारी फुले का पडती शेजारी. તેમ કહી તેમણે કહ્યું હતું કે બીજા બધા ઘટક પક્ષો માટે એમવીએના દરવાજા ખુલ્લા છે, પરંતુ તેમણે કોઈ શરત વિના આવવુ પડશે. તેમનો ઈશારો વંચિત બહુજન અઘાડી તરફ હોવાનું માનવામાં આવે છે.
અજિત પવારને લીધે ભાજપની બ્રાન્ડ વેલ્યુ ઘટી
આરએસએસના મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે અજિત પવારને સાથે લેવાથી મહારાષ્ટ્ર ભાજપને નુકસાન ગયું છે. આ પછી ભાજપ અજિત પવારને સાથે રાખશે કે નહીં તે મામલે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કાકા શરદ પવારને પૂછવામાં આવ્યું હતું કે શું અજિત પવારને સાથે લેવાથી ભાજપની બ્રાન્ડ વેલ્યુ ઘટી છે ત્યારે શરદ પવારે કહ્યું કે આ મામલે તમારે તે લોકોને (મહાયુતિ)ને સવાલ કરવો જોઈએ. હું કઈ રીતે જવાબ આપી શકું. તેમણે કહ્યું કે રાજ્યમાં ખેડૂતોની અવગણના કરવામાં આવી અને સરકારી મશીનરીનો ગેરઉપયોગ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં પણ ભાજપવિરોધી જ વલણ છે.
અમે સાથે જ લડીશું
લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમના 17માંથી 13 સાંસદ ચૂંટાઈ આવ્યા છે ત્યારે કૉંગ્રેસનું જોર પણ એમવીએમાં વધશે. પરિષદમાં કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ હાજર હતા ને તેમણે જણાવ્યું કે અમારી વચ્ચે વિધાનસભાની ચૂંટણી મામલે પ્રાથમિક બેઠક યોજાઈ હતી. અમે 2019ની વિધાનસભાની બેઠક વહેંચણીને ધ્યાનમાં લઈ આ વખતની ફોર્મ્યુલા નક્કી કરશું અને સાથે મળી ચૂંટણી લડશું.
એમવીએની આ જાહેરાત મહારાષ્ટ્રમાં મહાયુતિ માટે ચિંતાનો વિષય છે. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને માત્ર 18 બેઠક પર વિજય મળ્યો છે અને એક રીતે વિરોધી વાતાવરણ સહન કરવું પડ્યું છે. હવે આ ત્રણેય પક્ષ સાથે તાકાત લગાવશે ત્યારે મહાયુતિએ પણ બરાબરનું જોર લગાડવું પડશે.
Also Read –