વિશ્વમાં મુસ્લિમ વસ્તી સૌથી વધુ ઝડપથી વધી, ભારતમાં હિંદુઓની સંખ્યા કેટલી વધી? વાંચો રીપોર્ટ…

મુંબઈ: દુનિયાના બધા દેશો મળીને વિશ્વની કુલ વસ્તી 8 અબજથી વધુ થઇ ગઈ છે, જે સતત વધી રહી છે. અમેરિકાની થીંક ટેંક પ્યુ રિસર્ચ સેન્ટર(Pew Research Center)એ છેલ્લા દાયકામાં થયેલા વસ્તી વધારા વિષે એક રસપ્રદ અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલ મુજબ ગત દાયકામાં, વિશ્વમાં મુસ્લિમ ધર્મ અનુસરતાં લોકોની સંખ્યામાં સૌથી વધુ વધી છે. અહેવાલ મુજબ, વર્ષ 2010 થી 2020 ની વચ્ચે, મુસ્લિમોની વસ્તીમાં 34.7 કરોડનો વધારો નોંધાયો હતો, જ્યારે ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં 3.56 કરોડનો વધારો થયો હતો.
પ્યુ રિસર્ચ સેન્ટર જણાવ્યા મુજબ આ અહેવાલ તૈયાર કરવા માટે 2,700 થી વધુ વસ્તી ગણતરીઓ અને સર્વેક્ષણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં મુસ્લિમોની વસ્તી લગભગ 2 અબજ સુધી પહોંચી ગઈ છે, ખ્રિસ્તીઓ પછી મુસ્લિમ સમુદાય વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ધાર્મિક જૂથ છે.
વિવિધ ધર્મ પાડતાં લોકોની વસ્તી:
122 મિલિયનના વધારા સાથે વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા 2.18 અબજથી વધીને 2.30 અબજ થઇ છે, પરંતુ વૈશ્વની વસ્તીમાં ખ્રિસ્તીઓનો હિસ્સો 30.6% થી ઘટીને 28.8% થયો. અહેવાલ મુજબ, 2020 સુધીમાં 120 દેશો અને પ્રદેશોમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં છે.
વિશ્વની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો 1.8% વધીને 25.6% થયો છે. જ્યારે કોઈપણ ધર્મમાં ન માનનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, વિશ્વમાં નાસ્તિકોનો સંખ્યા વિશ્વની કુલ વસ્તીની 24.2% થઈ ગઈ છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બાદ હવે વિશ્વમાં નાસ્તિકો ત્રીજો સાથી મોટો વર્ગ છે.
વિશ્વમાં વર્ષ 2010માં હિન્દુઓની વસ્તી 1.1 અબજ હતી જે વર્ષ 2020માં વધીને 1.2 અબજ થઈ ગઈ. બિન-હિંદુઓની સંખ્યા લગભગ સમાન દરે વધતી હોવાથી, વૈશ્વિક વસ્તીના હિસ્સામાં હિન્દુઓની સંખ્યા સ્થિર રહી.બૌદ્ધ ધર્મને છોડીને વિશ્વના દરેક ધાર્મિક સમુદાયની વસ્તીમાં વધારો થયો છે. બૌદ્ધોની સંખ્યા 19 મિલિયન ઘટીને 324 મિલિયન થઈ ગઈ છે
ભારતમાં વસ્તી:
રિપોર્ટના અંદાજ મુજબ, ભારતની વસ્તી 2050 સુધીમાં 166 કરોડ સુધી પહોંચી શકે છે, જેમાં હિન્દુઓની વસ્તી 130 કરોડ હોવાનો અંદાજ છે. વર્ષ 2010માં ભારતમાં હિન્દુઓની વસ્તી દેશની કુલ વસ્તીના 80% હતી, જે 2020માં 79.4% થઈ ગઈ છે. વર્ષ 2010 માં મુસ્લિમોની વસ્તી 14.3% હતી, જે 2020 માં વધીને 15.2% થઈ ગઈ છે. ભારતની વસ્તીમાં ખ્રિસ્તીઓના ટકાવારી પ્રમાણે હિસ્સામાં ઘટાડો નોંધાયો છે, જે વર્ષ 2010માં 2.3%થી ઘટીને 2.2% થઈ ગઈ છે. અન્ય ધર્મોનો ટકાવારી હિસ્સો 2.7% થી ઘટીને 2.5% થયો હતો.

ઉત્તર અમેરિકામાં મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધી:
અહેવાલ મુજબ નાની ઉંમરમાં લગ્ન કરવાની વલણને કારણે મુસ્લિમોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. 2010 થી 2020 દરમિયાન ઉત્તર અમેરિકા ખંડમાં મુસ્લિમોની વસ્તીમાં સૌથી વધુ 52 ટકાનો વધારો નોંધાયો હતો. અહીં મુસ્લિમોની કુલ વસ્તી 59 લાખ છે. ધર્માંતરણ, શરણાર્થીઓના સ્થળાંતર અને કુદરતી વસ્તી વૃદ્ધિને કારણે અહીં ઇસ્લામ ઝડપથી ફેલાયો છે.
વિશ્વના કુલ ખ્રિસ્તીઓમાંથી 31% આફ્રિકામાં વસે છે, આ સંખ્યા 2010 માં 24.8% હતી. આફ્રિકામાં ખ્રિસ્તીની સંખ્યા યુરોપની સરખામણીમાં ઝડપથી વધી રહી છે.
આપણ વાંચો : મુસ્લિમ દેશો પ્રત્યે ટ્રમ્પ આકરા પાણીએ! આ 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ