ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ આવશે! મસ્કની Starlink ભારતમાં 9 સ્ટેશન સ્થાપશે, જાણો ક્યારે શરુ થશે સર્વિસ

મુંબઈ: ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે મોટી ક્રાંતિ થવા જઈ રહી છે. ઈલોન મસ્કની સ્પેસ એક્સની પેટા કંપની સ્ટારલિંક તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલ મુજબ સ્ટારલિંકે ભારતના નવ શહેરોમાં ગેટવે અર્થ સ્ટેશન સ્થાપવાની તૈયારી શરુ કરી છે.
ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપનીએ ટેસ્લાએ આ વર્ષે ભારતમાં પ્રથમ શોરૂમ શરુ કર્યો હતો, હવે તેની બીજી કંપની ભારત ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
આ શહેરોમાં સ્થપાશે સ્ટેશન:
અહેવાલ મુજબ, મુંબઈ, નોઇડા, ચંદીગઢ, હૈદરાબાદ, કોલકાતા અને લખનઉ સહિત ભારતના મુખ્ય નવ શહેરોમાં સ્ટારલિંક ગેટવે અર્થ સ્ટેશન શરુ કરવામાં આવશે. સ્ટારલિંકે તેના Gen-1 satellite constellation માટે ભારતમાં 600 ગીગાબીટ પ્રતિ સેકન્ડની ઈન્ટરનેટ સર્વિસ શરુ કરવા અરજી કરી છે. આ સર્વિસ શરુ થતા યુઝર્સને મોબાઇલ નેટવર્ક વગર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ મળી રહેશે.
નિયમોના પાલન માટે પરીક્ષણ:
અહેવાલ મુજબ સ્ટારલિંક સુરક્ષા-સંબંધિત નિયમોનું પાલન કરી શકે છે કેમ આ માટે કામચલાઉ રીતે કેટલાક સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા છે, આ સ્પેક્ટ્રમને આધારે કંપની તેમની સિસ્ટમ્સનું પરીક્ષણ કરશે. આ પરીક્ષણ માટે કંપનીને 100 સેટેલાઇટ ટર્મિનલ આયાત કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે હાલ પરીક્ષણ માટે જ સર્વિસ શરુ કરવામાં આવશે, કોમર્શીયલ ઉપયોગ શરુ થવા માટે સમય લાગશે.
ભારત સરકારના કડક નિયમો:
ભારતના સંચાર મંત્રાલયે સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ માટે કડક નિયમો લાગુ કર્યા છે, કેમ કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ બની શકે છે. સ્ટારલિંકે આ નિયમોનું પાલન કરવાનું રહેશે, ત્યાર બાદ જ તેને કોમર્શીયલ સર્વિસ શરુ કરવાની મંજુરી મળશે.
સરકારના નિયમો મુજબ વિદેશી સ્ટાફને સિક્યોરિટી ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ફક્ત ભારતીય નાગરિકો જ ગ્રાઉન્ડ સ્ટેશનો ઓપરેટ કરવાની મંજુરી આપવામાં આવશે, તમામ પરીક્ષણોનો ડેટા ભારતમાં જ રહેશે, વપરાતા તમામ સાધનોની વિગતો નિયમિતપણે સરકારના અધિકારીઓ સાથે શેર કરવાની રહેશે. જ્યાં સુધી સરકારની સિક્યોરિટી એજન્સીઓ મંજૂરી નહીં આપે, ત્યાં સુધી કંપનીઓ સંપૂર્ણ કામગીરી શરુ કરી શકશે નહીં.
આ કંપનીઓ સાથે હરીફાઈ:
નોંધનીય છે કે સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ માટેના સિક્યોરિટી ટેસ્ટ માટે અગાઉ વનવેબ અને જિયો સેટેલાઇટને મંજુરી મળી ચુકી છે, હવે સ્ટારલિંક આવી ત્રીજી કંપની બની છે. સ્ટારલિંક એક સાથે 9 ગેટવે સ્ટેશન સ્થાપીને આ ક્ષેત્રે શરૂઆતથી પ્રભુત્વ જમાવવા ઈચ્છે છે. અહેવાલ મુજબ મુંબઈમાં ત્રણ સ્ટેશનનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે.
લોકોને ક્યારે મળશે સર્વિસ?
અહેવાલ મુજબ સ્ટારલિંકને આશા છે કે આ વર્ષના અંત અથવા 2026 ની શરૂઆતમાં સર્વિસ લોન્ચ કરવા માટે સરકારની અંતિમ મંજુરી મળી જાય. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ માટે કિંમતો માટે આ વર્ષના અંત સુધીમાં ગાઈડલાઈન્સ રજુ કરી શકે છે, તેના એક મહિનાની અંદર કામગીરી ચાલુ કરવા સ્ટારલિંક તૈયરી કરી રહી છે. 2026ની શરૂઆતમાં ભારતમાં સ્ટારલીંકની સર્વિસ શરુ થવાની આશા રાખી શકાય.
ભારતમેં સ્ટારલિંકનો ગેરકાયદે ઉપોગ?
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં મણિપુર અને આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદે સ્ટારલિંક ડિવાઈસનો ઉપયોગ થઇ રહ્યો હોવાના પુરાવા મળ્યા હતાં, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતાઓ થઇ હતી. જોકે, મસ્કે આ દાવાઓને નકારી કાઢ્યા હતા.



