જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે નિધન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુપ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે બુધવારે મુંબઈમાં નિધન થયું હતું. પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયક અને સંગીતકાર બંને હતા. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે પણ તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમના નિધનથી ગુજરાતી સંગીતના આકાશમાં એક ન પૂરાય એવી ખોટ પડશે. તેમના પરિવારમાં બે દિકરીઓ વિરાજ અને બિજલ તેમ જ પત્ની ચેલનાબહેન છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં ખાસ વ્યવસ્થા: 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી
તેમની દિકરી વિરાજે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પુરુષોત્તમ ભાઈનું આરોગ્ય નરમ-ગરમ રહેતું હતું. કેટલાક દિવસથી માંદા હતા અને તેમને વાઈરલ ઈન્ફેક્શન હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. આ વખતે તેઓ માંદગી સામેની લડાઈ જીતી શક્યા નહોતા.
પંદરમી ઑગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં જ સંગીત નાટ્ય અકાદમીએ તેમને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ જે રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થાય છે તેની જાહેરાત કરી હતી, આરોગ્યના કારણોસર તેઓ દિલ્હી જઈ શકે તેમ ન હોવાથી અકાદમીના પ્રમુખ સંધ્યા પુરેચા અને હરીશ ભીમાણીએ તેમને ઘરે જઈને એવોર્ડ આપ્યો હતો.
બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપુર જેવા ઉચ્ચ કોટિના ગાયકો પાસે તેમણે ગુજરાતીઓમાં ગીતો ગવડાવ્યા છે તેના પરથી જ તેમના સ્તરનો અંદાજો લગાવી શકાય છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાનો છેલ્લો કાર્યક્રમ લગભગ દોઢ વર્ષ પહેલાં આપ્યો હતો, ત્યારબાદ તેમની તબિયત સારી ન રહેતી હોવાથી તેઓ નિવૃત્તિ જીવન ગાળી રહ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈ-નાશિક હાઇવે પર ત્રણ મહિના રહેશે ટ્રાફિકની સમસ્યા
આજે રાતના સાડા નવ વાગ્યે વરલી સ્મશાનભૂમિમાં અંતિમવિધિ કરવામાં આવશે.