ગળું ચીરી પતિએ કરી પત્નીની હત્યા:સાળીને ફોન પર હત્યાની જાણ કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દારૂ પીવાના વ્યસની બેરોજગાર પતિએ ગળું ચીરી પત્નીની કથિત હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લાના દીવામાં બની હતી. ઘટના બાદ આરોપી પતિએ ડોમ્બિવલીમાં રહેતી સાળીને ફોન પર પોતે આચરેલા ગુનાની જાણ પણ કરી હતી.
આ પણ વાંચો: દક્ષિણ મુંબઈમાં રોડ રેજ: મહિલા પર હેલ્મેટથી હુમલો કરનારા બાઇકસવારને ટોળાએ ઢીબેડી નાખ્યો
મુંબ્રા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રીતેશ કાશીનાથ શિર્કે (50) તરીકે થઈ હતી. દીવા પૂર્વમાં મ્હાત્રે ગેટ સ્થિત તાનાજી મ્હાત્રે ચાલમાં રહેતા શિર્કેએ ગયા વર્ષે જ દ્રોપદી માળી (47) સાથે બાન્દ્રાના એક મંદિરમાં લગ્ન કર્યાં હતાં.
પોલીસ ફરિયાદ અનુસાર બેરોજગાર શિર્કેને દારૂ પીવાનું વ્યસન હતું. પત્ની દ્રોપદી તેને વારંવાર કામ કરવાનું સમજાવતી હતી. આ વાતને લઈ દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. દારૂના નશામાં ચૂર શિર્કે પત્નીની મારપીટ પણ કરતો હતો. પતિ દ્વારા ગુજારાતા ત્રાસની વાત દ્રોપદીએ ડોમ્બિવલીમાં રહેતી તેની બહેન રેશ્મા પાટીલને કરી હતી.
આરોપી શિર્કેએ રવિવારની સવારે 11.30 વાગ્યે રેશ્માના પુત્ર કુણાલના મોબાઈલ ફોન પર કૉલ કરી દ્રોપદીની હત્યાની જાણ કરી હતી. ‘મેં ઘણું સહન કર્યું છે એટલે મેં તેને મારી નાખી હતી. તેનો મૃતદેહ કિચનમાં પડ્યો છે. આવતી કાલે હું પણ જીવન ટૂંકાવીશ,’ એમ શિર્કેએ રેશ્માને કહ્યું હતું.
આ પણ વાંચો: નવી મુંબઈમાં રૂ. 75 લાખના ડ્રગ્સ સાથે ત્રણ નાઇજીરિયનની ધરપકડ
ડરી ગયેલી રેશ્મા તાત્કાલિક પ્રીતેશના ઘરે પહોંચી હતી. દરવાજાને બહારથી કડી લગાવેલી હતી. કડી ખોલી ઘરમાં પ્રવેશતાં દ્રોપદી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલી નજરે પડી હતી. રેશ્માએ પોલીસનો સંપર્ક સાધતાં મુંબ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દ્રોપદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.