દહેજ મુદ્દે ગર્ભવતી મહિલાની હત્યા: પતિ, સાવકા પુત્રની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લામાં દહેજને લઇ આઠ મહિનાની ગર્ભવતી મહિલાની હત્યા કરવા બદલ પતિ અને સાવકા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.
નાલાસોપારાના રહેવાસી જયપ્રકાશ અમરનાથ દુબે (40) સાથે મહિલાના લગ્ન થયાં હતાં અને જયપ્રકાશને અગાઉના લગ્નથી પુત્ર છે. જયપ્રકાશ અવારનવાર દારૂ ઢીંચી ઘરે આવતો હતો અને સાસરિયાં તરફથી દહેજ આપવામાં આવ્યું ન હોવાનુ કહીંને પત્નીની મારપીટ કરતો હતો.
જયપ્રકાશે તેના પુત્ર સચિન (20) સાથે મળીને 7 એપ્રિલે પત્નીને બળજબરીથી પ્રવાહી પીવડાવ્યું હતું, જ્યારે તે આઠ મહિનાની ગર્ભવતી હતી અને આને કારણે ગર્ભમાં રહેલા શિશુનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: કોણ કહે છે દહેજની સમસ્યા હવે રહી નથી? નોઈડાનો કિસ્સો જાણશો તો હચમચી જશો
મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલ રાખાએ જણાવ્યું હતું કે જયપ્રકાશની ધરપકડ કરવામાં આવી હતી. જયપ્રકાશને બાદમાં જામીન મળી ગયા હતા, જ્યારે તેનો પુત્ર ફરાર હતો.
જયપ્રકાશની પત્નીને આ ઘટના બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન 2 જુલાઇએ તેનું મોત થયું હતું. આથી પોલીસે જયપ્રકાશના જામીન રદ કરવાની માગણી કરી હતી. જોકે તે પણ ફરાર થઇ ગયો હતો.
દરમિયાન પોલીસે પિતા-પુત્રની શોધ ચલાવી હતી અને આખરે મળેલી માહિતીને આધારે તેમને 16 જુલાઇએ નાલાસોપારાથી પકડી પાડ્યા હતા. (પીટીઆઇ)