પ્રેમપ્રકરણમાં અવરોધ ઊભો કરનારા પતિની હત્યા: પત્ની-પ્રેમી સહિત ત્રણની ધરપકડ
હત્યા માટે દિલ્હીના કોન્ટ્રાક્ટ કિલરને ૩૦ લાખની સુપારી અપાઈ
થાણે: અંબરનાથમાં પ્રેમપ્રકરણમાં અવરોધ ઊભો કરી રહેલા પતિની ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવાના કેસમાં પોલીસે પત્ની-પ્રેમી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી, જ્યારે કોન્ટ્રાક્ટ કિલરના સાથી એવા એક સગીરને તાબામાં
લીધો હતો.
અંબરનાથ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જગન્નાથ કાલસકરે જણાવ્યું હતું કે હત્યાની ઘટના ૨૫ ફેબ્રુઆરીએ બની હતી. મૃતક રમેશ ઝા (૪૮) નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે રાતે ૯.૩૦ વાગ્યાની આસપાસ અંબરનાથ-બદલાપુર રોડ પર એક હોટેલ નજીક આરોપીઓએ તેને આંતર્યો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકતાં ઝાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં અંબરનાથ પોલીસ અને ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓની તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે આરોપીઓની ઓળખ મેળવી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ઝાની પત્ની સુમન ૧૦ વર્ષથી દિલ્હીમાં રહેતી હતી. તે સમયે આ કેસના એક આરોપી સાથે તેનું પ્રેમપ્રકરણ હતું. ઝા સાથે લગ્ન બાદ સુમન અંબરનાથમાં રહેવા આવી ત્યારે પણ તેણે પ્રેમી સાથે સંબંધ તોડ્યો નહોતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પતિને પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં તેણે વિરોધ દર્શાવ્યો હતો. પરિણામે પ્રેમપ્રકરણમાં આડખીલીરૂપ પતિનો કાંટો કાઢવાની યોજના પત્નીએ બનાવી હતી. આ કામ માટે દિલ્હીના કોન્ટ્રાક્ટ કિલરને ૩૦ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી.
દિલ્હીથી આવેલા હત્યારા ઝાની હત્યા બાદ ફરી દિલ્હી ફરાર થઈ ગયા હતા. મળેલી માહિતીને આધારે પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી. દિલ્હીથી બે આરોપીને પકડી પાડ્યા બાદ તેમની પૂછપરછને આધારે પોલીસે મૃતકની પત્ની અને પ્રેમીને પણ તાબામાં લીધાં હતાં. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટે પાંચમી માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)ઉ