એન્ટોપ હિલમાં યુવકની હત્યા: દંપતી સહિત પાંચની ધરપકડ…
મુંબઈ: ફટાકડા ફોડવાને કારણે બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ 20 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના એન્ટોપ હિલ વિસ્તારમાં બની હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી દંપતી સહિત પાંચ જણની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : મુંબઈમાં 161 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી
એન્ટોપ હિલ સ્થિત કોકરી આગાર ખાતેના મહારાષ્ટ્ર નગરમાં ગુરુવારે મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં વિવેક ગુપ્તા નામના યુવકે જીવ ગુમાવ્યો હતો.
પોલીસે આ પ્રકરણે કાર્તિક આર મોહમ દેવેન્દ્ર, કાર્તિક આર મોહમની પત્ની, કાર્તિક કુમાર દેવેન્દ્ર, વિકી મુત્તુ દેવેન્દ્ર અને મિનીઅપ્પણ રવિ દેવેન્દ્રની ધરપકડ કરી હતી, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ ચલાવાઇ રહી છે.
મહારાષ્ટ્ર નગરના રહેવાસીઓનું જૂથ ગુરુવારે મધરાતે સાંકડી ગલીમાં ફટાકડા ફોડી રહ્યું હતું. એ સમયે ટૂૃ-વ્હીલર પર ત્યાંથી પસાર થઇ રહેલા આરોપી કાર્તિક આર મોહન દેવેન્દ્રે તેમને અન્ય સ્થળે જવાનું કહ્યું હતું.
આ બાબતને લઇ વિવાદ થતાં જૂથના અમુક લોકોએ કાર્તિકની મારપીટ કરી હતી. કાર્તિક ત્યાંથી જતો રહ્યો હતો, પણ થોડા સમય બાદ તે પોતાની પત્ની, ભાઇ તથા અન્ય લોકો સાથે ત્યાં આવ્યો હતો અને તેમની પાસે લાઠી તથા ક્રિકેટ બેટ હતી.
બંને જૂથ વચ્ચે બોલાચાલી થતાં ફટાકડા ફોડી રહેલા જૂથમાંની એક વ્યક્તિએ ચાકુ કાઢ્યું હતું, પણ ઝઘડામાં ચાકુ તેના હાથમાંથી નીચે પડી ગયું હતું. એવામાં કાર્તિકના સાથીદાર રાજ પુટ્ટીએ ચાકુ ઊંચકીને વિવેક ગુપ્તા પર ઘા ઝીંકી દીધા હતા.
આ પણ વાંચો : ભિવંડીમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ ગુપ્તાને સારવાર માટે પાલિકાની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળેથી પાંચ જણને તાબામાં લીધા હતા. (પીટીઆઇ)