થાણે: છૂટછાટ લેવાનો વિરોધ કરનારી યુવતીની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કથિત હત્યા કર્યા બાદ યુવક ફરાર થઈ ગયો હતો. ભિવંડીમાં બનેલી આ ઘટનામાં યુવતીને બચાવવા મધ્યસ્થી કરનારી તેની બહેન પણ ગંભીર રીતે ઘવાઈ હતી.
શાંતિ નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અતુલ અદુરકરે જણાવ્યું હતું કે ઘટના સોમવારની સવારે ભિવંડીના ભડવાડ ગામમાં યુવતીના ઘરે બની હતી. 23 વર્ષની યુવતી અને આરોપી રાજુ મહેન્દ્ર સિંહ (24) એકબીજાને ઓળખતાં હતાં. બન્ને ઉત્તર પ્રદેશના એક જ ગામના વતની અને પડોશી હતાં.
Also read: મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા: ઉમેદવારોનો આંકડો 148
આરોપી છૂટછાટ લેવા માંડ્યો હતો, જેનો યુવતીએ વિરોધ કર્યો હતો. આ વાતથી આરોપી રોષે ભરાયો હતો. સોમવારની સવારે 11.15 વાગ્યાની આસપાસ આરોપી યુવતીના ઘરે ગયો હતો અને તેના પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઉપરાછાપરી ઘા ઝીંકવાને કારણે યુવતી બેભાન થઈ જમીન પર ફસડાઈ પડી હતી.
Also read: પુણે હાઇવે પર બે એસટી બસની ટક્કર, બે નાં મોત, ૬૪ ઘાયલ…
યુવતીને બચાવવા તેની બહેને મધ્યસ્થી કરતાં આરોપીએ તેના પર પણ હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભિવંડીની સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યારે તેની બહેનને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. (PTI)