હવે કોઈ રસ્તો ખોદવો નહીં: પાલિકાની ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તાઓનું કૉંક્રીટીકરણનું કામ મોટાપાયે ચાલી રહ્યું છે. રસ્તાના કૉંક્રીટીકરણનાં કામ માટે નવા રસ્તાના ખોદકામ નહીં કરવાનો ચોખ્ખા શબ્દોમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આદેશ આપ્યો છે. રસ્તાના કામ માટે ૨૨ ફેબ્રુઆરી બાદથી કોઈ નવા રસ્તાનું ખોદકામ કરવુંં નહીં એવો આદેશ આપ્યા બાદ પણ જો કોઈ કૉન્ટ્રેકરે નવો રસ્તો ખોદવાનું કામ ચાલુ રાખ્યું તો તેની સામે પગલા લેવાની પ્રશાસને ચેતવણી આપી છે. ૩૧ મે સુધી મુંબઈના રસ્તાઓના કૉંક્રીટીકરણના કામ પૂરાં કરવાની ડેડલાઈન છે.
પાલિકા કમિશનરના આદેશ બાદ પણ કૉન્ટ્રેક્ટર દ્વારા નવા રસ્તા ખોદવાનું ચાલુ જ રાખવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ મંગળવાર ચાર માર્ચના પાલિકાએ સર્ક્યુલર બહાર પાડીને કૉન્ટ્રેક્ટરોને નિયમનું ઉલ્લંઘન કર્યું તો તેમની સામે પગલાં લેવાની ચેતવણી આપી છે. એ સાથે જ નાગરિકોને તેમના વોર્ડમાં કૉન્ટ્રેક્ટર નવો રસ્તો ખોદતો દેખાયો તો સ્થાનિક વોર્ડમાં ફરિયાદ કરવાની સૂચના પણ પ્રશાસને આપી છે.
મુંબઈમાં હાલ રસ્તાઓનું કૉંક્રીટીકરણનું કામ ચાલી રહ્યું છે, જેમાં પહેલા તબક્કામાં કુલ ૩૨૪ કિલોમીટર (૬૯૮ રસ્તા) તો બીજા તબક્કામાં ૩૭૭ કિલોમીટર (૧,૪૨૦ રસ્તા) એમ કુલ ૭૦૧ કિલોમીટર રસ્તાઓનું કૉંક્રીટીકરણના કામ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં પહેલા તબક્કામાં ૭૫ ટકા કામ અને બીજા તબક્કામાં ૫૦ ટકા કામ થયું છે અને રસ્તાઓના કૉંક્રીટીકરણના કામની મુદત ૩૧ મે, ૨૦૨૫ની આપવામાં આવી છે.
આ પણ વાંચો…કોસ્ટલ રોડ પર હેલિપડે ?
કૉંક્રીટીકરણના કામ દરમ્યાન જ રસ્તાના કામ દરમ્યાન ગેસ, ઈલેક્ટ્રિસિટી, ઈન્ટરનેટ જેવી યુટિલિટિઝ માટેના કેબલ નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે. એક વખત રસ્તો બની ગયા બાદ ફરી તેના પર ખોદકામ કરવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમ્યાન ચોમાસા પહેલા એટલે તે ૩૧, ૨૦૨૫ પહેલા રસ્તાના તમામ કામ પૂરાં કરવાના હોવાથી ૨૭ ફેબ્રુઆરીએ જ કમિશનરે તમામ અધિકારીઓ અને કૉન્ટ્રેક્ટર સાથે બેઠક કર્યા બાદ રસ્તાના કામ ઝડપથી કરવાનો આદેશ આપ્યો હતો. નાગરિકોને તકલીફ થાય નહીં તે માટે આ અગાઉ જ ૨૨ ફેબ્રુઆરી બાદ નવા રસ્તા ખોદવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.