ગેટ-વે ઓફ ઈન્ડિયાને ગંદી કરનારા ફેરિયાઓને પાલિકાએ શીખવાડયો સબકઃ વસૂલ્યો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈનો પ્રવેશ દ્વાર ગણાતા અને પ્રખ્યાત પર્યટન સ્થળ ગેટ-વે ઓફ ઈન્ડિયામાં પર કચરો ફેંકીને તેનું ગંદુ બનાવનારા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ગુરુવારથી બુધવાર સુધીના સમયગાળામાં ૩૯ ફેરિયાઓ પાસેથી ૭,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
પાલિકાના ‘એ’ વોર્ડ દ્વારા ગેટ-વે ઓફ ઈન્ડિયા પર ફેરિયાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરરોજ આ પર્યટન સ્થળ પર હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. જો આ વિસ્તારના ફેરિયાઓ વપરાયેલી પ્લેટ, કપ અને બાકી રહેલી વસ્તુઓ રસ્તા પર જ ફેંકીને જગ્યાને ગંદી બનાવી રહ્યા હોવાની લાંબા સમયથી ફરિયાદ આવી રહી હતી. તેથી પાલિકાએ આ વિસ્તારમાં ખાસ ઝુંબેશ હાથ ધરીને ફેરિયાઓ સામે કડક હાથે પગલા લઈને તેમની પાસેથી દંડ વસૂલ્યો હતો.
ગયા ગુરુવારથી એટલે કે ૨૨ ડિસેમ્બરથી ચાલુ થયેલી આ ઝુંબેશ ૩૦ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ફેરિયાઓના સામાન જપ્ત કરી લેવામાં આવતા હોવા છતાં બીજા દિવસે તેઓ પાછા આવીને બેસી જતા હોય છે. તેથી ફેરિયાઓ સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવાનું ચાલુ કર્યું છે.
નોંધનીય છે કે ગયા મહિને ગેટ વે ઓફ ઈન્ડિયા પર દરિયામાં કચરો ફેંકવામાં આવતો હોવાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ યા બાદ તે વ્યક્તિને શોધીને તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.