એક મહિનામાં વાયુ પ્રદષણ માટે જવાબદાર ૭૮૨ ક્ધસ્ટ્રક્શન સાઈટને પાલિકાની નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર ગણાતી ત્રણ નવેમ્બરથી અત્યાર સુધી ૭૮૨ કન્સ્ટ્રક્શન સાઈટને કામ બંધ કરવાની મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે, તો આઠ ક્ધસ્ટ્રકશન સાઈટને સીલ કરી દેવામાં આવી છે. વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ ૨૫ ઑક્ટોબરના બહાર પાડયા બાદ તેનું ઉલ્લંઘન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ ૩૩ કન્સ્ટ્રક્શન સાઈટ પર વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પગલાં લેવામાં આવતા પલિકાએ તેમની નોટિસને રદ કરી હતી.
વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પગલાં લઈ રહી છે. તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં બનાવવામાં આવેલી લગભગ ૯૬ ટીમે ત્રણ નવેમ્બરથી પોત-પોતાના વિસ્તારોમાં આવી જગ્યાઓની દૈનિક સ્તરે ઈન્સ્પેકશન કરવાનું ચાલુ કર્યું હતું. જે ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગાઈડલાઈનનું પાલન થતું ન હોવાનું જણાયું હતું તેમને કારણ દર્શાવો નોટિસ અને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી રહી છે. કે-પૂર્વ દ્વારા જોગેશ્ર્વરી, અંધેરી અને વિલેપાર્લેમાં આઠ સાઈટને સીલ કરી નાખવામાં આવી છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ ૨૫ ઑક્ટોબરના ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ પણ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય પગલાં નહીં લેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી હતી. ગાઈડલાઈનને અમલમાં મૂકવાનું ચાલુ કરવામાં આવશે એ સાથે જ તેમને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે. જોકે સ્ટોપ વર્કની નોટિસ આપ્યા બાદ પણ કામ બંધ નહીં કરનારા સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. અત્યાર સુધી બેની સામે પોલીસમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. પાલિકાને ગાઈડલાઈન બહાર પાડીને મહિનો થઈ ગયો છે, છતાં હજી મુંબઈમાં માત્ર ૩૩ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર તેને અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે.
પાલિકાએ ૨૫ ઑક્ટોબરના ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ ત્રણ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બરના સમયગાળામાં ૩,૦૦૦ કન્સ્ટ્રક્શન સાઈટને સૂચના આપતા ઈન્ટીમેશન લેટર લખ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ કન્સ્ટ્રક્શન સાઈટ પર ધૂળ ઉત્પન્ન કરનારા અને કાટમાળનો યોગ્ય રીતે નિકાલ નહીં કરનારા પાસેથી ૧૨.૬ લાખ ૯.૨ લાખ રૂપિયાનો તો ગેરકાયદે રીતે કાટમાળનો નિકાલ કરનારા પાસેથી ૨.૧ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.