શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ-બેનર હટાવવા સ્પેશ્યિલ સ્ક્વોડ બનાવવાની પાલિકા કમિશનરની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેરને કદરૂપુ બનાવતા હૉર્ડિંગ્સ અને બેનરો હટાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા સ્પેશિયલ સ્કવોડ બનાવવાની છે. આ સ્કવોડનું કામ શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર રીતે લગાડવામાં આવતા હૉર્ડિંગ્સ અને બેનર સામે કાર્યવાહી કરવાનું રહેશે. મોટાભાગના બેનરો ગજાવર રાજકીય નેતાઓ અને પક્ષોના હોવાથી તેની સામે પગલાં લેવા સામે જોકે પાલિકાના અધિકારી-કર્મચારી વર્ગ હિચકિચાટ અનુભવતા હોય છે. એમા ઓછું હોય તેમ સંબંધિત વિભાગમાં કર્મચારીઓની ખાલી પોસ્ટ ભરવામાં આવી ન હોવાથી કર્મચારીઓની અછત પણ વર્તાઈ રહી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ આખા વર્ષ દરમિયાન ખાસ કહીને તહેવારો દરમિયાન ગેરકાયદેસર રીતે લગાડવામાં આવતા બેનરો અને હૉર્ડિંગ્સ હટાવવા માટે અનેક વખત ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન ગયા અઠવાડિયામાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી, એ દરમિયાન તેમણે મુંબઈમાં ગેરકાયદે રીતે લગાવવા આવતા બેનરો સામે કાર્યવાહી કરવા કાયમી સ્તરે સ્પેશિયલ સ્કવોડ બનાવવાની સૂચના આપી હતી.
પાલિકા કમિશનરના આદેશ બાદ સંબંધિત વિભાગના અધિકારીઓ કામે લાગી ગયા છે, જોકે મોટાભાગના અધિકારી અને કર્મચારીઓ કમિશનરના આદેશ બાદ પણ મુંબઈને ગેરકાયદે બેનરો અને હૉર્ડિંગ્સ મુક્ત કરવામાં સફળતા મળવા બાબતે શંકા સેવી રહ્યા છે.
પાલિકાના લાઈસન્સ વિભાગના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ઉપરથી આદેશ આવ્યા બાદ અમારા અધિકારી-કર્મચારીઓની ટીમ એક્શન લેવા માટે નીકળી પડતી હોય છે, પરંતુ મોટાભાગના કેસમાં અમારા કર્મચારીઓનેે પોલીસ તરફથી રક્ષણ મળતું નથી અને રાજકીય પક્ષના કાર્યકર્તાઓ અમારા સ્ટાફ સાથે હાથાપાઈ પર ઊતરી આવતા હોય છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કમિશનરના આદેશ બાદ સ્પેશિયલ સ્કવોડ તો બનાવી પડશે. પરંતુ અમારી પાસે પૂરતા કર્મચારી પણ નથી. લાંબા સમયથી લાઈસન્સ ઈન્સ્પેકટર અને લેબરની ૧૦૮ પોસ્ટ ખાલી છે. જયાં સુધી ડિપાર્ટમેન્ટમાં વધારાનો મેનફોર્સ મળતો નથી ત્યાં સુધી કામ થોડું મુશ્કેલ જ રહેશે.
પાલિકાના કર્મચારીઓના યુનિયનના નેતાના જણાવ્યા મુજબ લાઈસન્સ ડિપાર્ટમેન્ટ પાસે મેનપાવરની અછત છે. તો ઝાડની ઉપર, ઈલેક્ટ્રિક લાઈટના થાંભલા પર લગાવવામાં આવેલા બેનરો અને હૉર્ડિંગ્સ હટાવવા માટે વાહનો પણ નથી. સપ્ટેમ્બર મહિનામાં કાંદિવલીમાં ન્યૂ લિંક રોડ પર ગેરકાયદેસર રીતે લગાડવામં આવેલા પોસ્ટરો સામે કાર્યવાહી કરવા ગયેલા પાલિકાના કર્મચારીઓની રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ મારપીટ કરી હોવાનો બનાવ બન્યો હતો.
નોંધનીય છે કે પાલિકા દ્વારા જાન્યુઆરીથી ઑક્ટોબર, ૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં ૩૩,૭૪૨ ગેરકાયદે બેનરો અને પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા. જે ૨૦૨૨ની સાલમાં કરવામાં આવેલી કાર્યવાહી કરતા બમણી સંખ્યામાં છે. પાલિકા પ્રશાસન દ્વારા પોલીસ સ્ટેશનમાં ૩૭૮ કેસની ફરિયાદ કરવામાં આવી હતી, તેમાંથી ફક્ત ૧૫ જ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસ તરફથી કોઈ જવાબ નહીં
લાઈસન્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગેરકાયદે બેનરો પોસ્ટરો સામે પાલિકા દ્વારા વખતોવખત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જોકે મોડી રાતના સમયે પોસ્ટરો લગાવી જનારાઓ શોધવા મુશ્કેલ હોય છે. તેથી રાતના સમયે મુંબઈને કદરૂપુ બનાવનારાઓ પર નજર રાખવા માટે મુંબઈ પોલીસને પાલિકા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. જોકે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.