કુર્લામાં ગેરકાયદે ઝૂંપડા અને ધાર્મિક સ્થળ સામે પાલિકાની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં આવેલા ગાંધી મેદાનમાં વર્ષોથી ઊભા થઈ ગયેલા ઝૂંપડાઓ અને મઝાર સામે મુંબઈ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને તેને હટાવ્યા હતા. મુંબઈ મહાનગરપાલિકાના ‘એલ’ વોર્ડ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી ગુરુવારે વહેલી સવારે આ ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યા હતા.
કુર્લા સ્ટેશન પાસેના આ મેદાનમાં ચાલુ વર્ષના મે મહિનામાં જ સુશોભીકરણનું કામ કરીને તેને બાળકો અને જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જોકે આ પ્લોટ પર ઝૂંપડાની સાથે ધાર્મિક બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓ તેની સામે સતત લડત લડીને તેને હટાવીને ત્યાં રમતગમતનું મેદાન બનાવવાની માગણી કરી હતી. જોકે મેદાનમાં રહેલા ધાર્મિક સ્થળને કારણે પાલિકા દ્વારા કાર્યવાહી મંદગતિએ ચાલી રહી હતી. બાદમાં પાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ ઊભું કરનારા લોકોને દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે તેઓ સંબંધિત કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. છેવટે પાલિકાએ પોલીસની મદદથી અહીં રહેલા ઝૂંપડા અને મઝારને તોડી પાડી હતી.