આમચી મુંબઈ

પાટાના ટુકડાને વેલ્ડિંગ ન કરવાને કારણે મુંબ્રાની ટ્રેન ટ્રેજેડી થયેલી: પોલીસ…

મુંબઈ: મુંબ્રામાં પાંચ જણનો જીવ લેનારી ટ્રેન ટ્રેજેડી કેસની તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ દુર્ઘટના માટે સેન્ટ્રલ રેલવેના કર્મચારીઓની ભયંકર બેદરકારી જવાબદાર હોવાનું કહેવાય છે. દુર્ઘટનાના ચાર દિવસ અગાઉ પાટાનો ટુકડો બદલવામાં આવ્યો હતો, પરંતુ તેને વેલ્ડિંગ નહીં કરવાને કારણે આ ઘટના બની હતી.

આ કેસમાં થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) એફઆઈઆર દાખલ કર્યો હતો. અસમથળ પાટાને કારણે વળાંક પાસેથી ટ્રેન પસાર થતી વખતે જેટલી નમવી જોઈએ એના કરતાં વધુ પ્રમાણમાં નમવાને કારણે આ ઘટના બની હોવાનો દાવો તપાસ કરનારી ટીમે કર્યો હતો.

એફઆઈઆર અનુસાર સંબંધિત રેલવે અધિકારી અને કર્મચારીઓને પાટાનો બદલી કરેલો ટુકડાનું વેલ્ડિંગ કરાયું નહોતું એની જાણ હતી. નોંધનીય છે કે નવમી જૂને દીવા સ્ટેશન નજીક ફાસ્ટ ટ્રેક પરથી પસાર થતી બે ટ્રેનના ફૂટબૉર્ડ પર ઊભેલા 13 પ્રવાસી પાટા પર પડ્યા હતા.

કસારા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની દિશામાં જતી બે ટ્રેનો પસાર થતી હતી ત્યારે પ્રવાસીઓની ખભે ભેરવેલી બૅગ એકબીજા સાથે ઘસાઈ હતી, જેને કારણે આ ઘટના બની હતી, એવું તે સમયે કહેવાયું હતું. આ પ્રકરણે રેલવે પોલીસે તે સમયે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેલવેના અધિકારીઓની બેદરકારી સામે આવી હતી.

પરિણામે પહેલી નવેમ્બરે રેલવે પોલીસે આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર વિશાલ ડોળસ, સિનિયર સેક્શન એન્જિનિયર સમર યાદવ અને રેલવેના અન્ય અધિકારી-કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆર અનુસાર ભારે વરસાદને કારણે મુંબ્રા સ્ટેશનના પ્લૅટફોર્મ ચારની બાજુમાંની ગટર ઊભરાઈ ગઈ હતી.

તેને કારણે સ્ટેશન નજીક પ્લૅટફોર્મ ત્રણ અને ચારના પાટા પર પાણી જમા થયું હતું અને પાટાની નીચેની કાંકરીઓ ધોવાઈ ગઈ હતી. પાંચમી જૂનની મધરાત પછી સ્ટેશન નજીક ચાર નંબર પર પાટાનો ટુકડો બદલી કરાયો હતો, પરંતુ વેલ્ડિંગ કરાયું નહોતું.

સ્ટેશન નજીક અપ લાઈન પર સેક્શન-28 ખાતે એક બાજુ પર ટ્રેક નીચી હતી, જ્યારે બીજી બાજુ વેલ્ડિંગ નહીં કરવાથી ઉપર હતી. ડોળસ, યાદવ અને અન્ય અધિકારી-કર્મચારીઓને આ વાતની જાણ હતી. કહેવાય છે કે છઠ્ઠી જૂને પાટાની જાળવણીના કામ માટેનો ઑર્ડર ડોળસ અને યાદવને મળ્યો હતો, પરંતુ દુર્ઘટના થઈ ત્યાં સુધી કોઈ પણ જાળવણી કાર્ય હાથ ધરાયું નહોતું.

તપાસમાં જણાયું હતું કે અસમથળ પાટાને કારણે ચોથી ટ્રેક પરથી પસાર થતી ટ્રેન ત્રણ નંબરની ટ્રેક તરફ નમી હતી, જેને કારણે બે પાટા વચ્ચેનું અંતર સાંકડું થતું હતું. પરિણામે સામસામી પસાર થતી ટ્રેનો એક જ સમયે આવી ત્યારે તેમની વચ્ચેનું અંતર અત્યંત ઓછું હતું. આ જ કારણસર દુર્ઘટના થઈ હોવાનું એફઆઈઆરમાં જણાવાયું હતું. (પીટીઆઈ)

આ પણ વાંચો…મુંબ્રાની ટ્રેન ટ્રેજેડી કેસમાં બે એન્જિનિયર સામે ગુનો

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button