મુંબ્રાની ટ્રેન ટ્રેજેડી કેસમાં બે એન્જિનિયર સામે ગુનો

મુંબઈ: સેન્ટ્રલ રેલવેના મુંબ્રા સ્ટેશન નજીક નવમી જૂને થયેલી ટ્રેન ટ્રેજેડી કેસમાં આખરે પાંચ મહિને સેન્ટ્રલ રેલવેના બે એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સામસામી દિશામાંથી પસાર થતી ફાસ્ટ લોકલના ફૂટબૉર્ડ પર ઊભેલા પ્રવાસીઓની બૅગ એકબીજા સાથે અથડાતાં 13 જણ પાટા પર પટકાયા હતા, જેમાંથી ચાર જણે જીવ ગુમાવ્યા હતા. રેલવે પોલીસની તપાસમાં એન્જિનિયરોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર હોવાનું જણાયું હતું.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકરણે રવિવારે થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)માં એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. સેન્ટ્રલ રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર અને સેક્શન એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોઈ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાચો: રવિવારે બહાર નીકળતા પહેલા જાણી લેજો રેલવેના મેગા બ્લોક વિશે, નહીં તો…
પોલીસના જણાવ્યા મુજબ નવમી જૂને મુંબ્રા સ્ટેશન નજીકથી ફાસ્ટ ટ્રેક પરથી પસાર થનારી બે ટ્રેનમાંથી પ્રવાસીઓ પાટા પર પડ્યા હતા. કસારા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનમાં ભીડ હોવાથી પ્રવાસીઓ ફૂટબૉડ પર ઊભા રહીને પ્રવાસ કરી રહ્યા હતા. એક વળાંક પાસે બન્ને ટ્રેનના પ્રવાસીઓની ખભે ભેરવેલી બૅગ એકબીજા સાથે અથડાઈ હતી.
બૅગ અથડાવાને કારણે સંતુલન ગુમાવવાથી 13 પ્રવાસી પાટા પર પડી ગયા હતા. ગંભીર ઇજાને કારણે ચારનાં મોત થયાં હતાં, જ્યારે નવ જણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે થાણે જીઆરપીએ તે સમયે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી.
ઘટના કઈ રીતે બની તે માટે જીઆરપી દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. આ માટે નિષ્ણાતોની મદદ પણ લેવાઈ હતી. તપાસમાં એન્જિનિયરોની બેદરકારી સામે આવતાં સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. બાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ પચીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)



