મુમ્બ્રા ટ્રેન દુર્ઘટના રિપોર્ટ: પ્રવાસીની ‘લટકતી’ બેગ બની 5 મોતનું કારણ, તપાસમાં ખુલાસો

મુંબઈઃ મધ્ય રેલવેના મુમ્બ્રા પાસે ગત જૂન મહિનામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં કરવામાં આવેલી તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે, દરવાજા પર લટકી રહેલા એક મુસાફરની બેગને કારણે બે ટ્રેનોમાંથી આઠ મુસાફર પડી ગયા હતા, જેમાંથી પાંચના મોત થયા હતા,એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.
નવમી જૂનના મુમ્બ્રા નજીક થયેલા અકસ્માતના કલાકો પછી એક પ્રત્યક્ષદર્શી અને સહ-મુસાફરે જણાવ્યું હતું કે આ દુર્ઘટના એક મુસાફરની બેગને કારણે થઈ હતી. તે બીજી લોકલ ટ્રેનના ફૂટબોર્ડ પર ઉભેલા મુસાફરો સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો: મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માત: એક ‘બેગ’ બની પાંચ લોકોના જીવનું કારણ? તપાસ સમિતિનો ચોંકાવનારો ખુલાસો…
સેન્ટ્રલ રેલવે (CR)ની તપાસમાં કહેવામાં આવ્યું છે કે CSMTથી કર્જત જતી લોકલ ટ્રેન S-11 ના 9મા કોચના ફૂટબોર્ડ પર ઉભેલા મુસાફરની “30-સેમી જાડી ” બેકપેક વિરુદ્ધ દિશામાં જઈ રહેલી કસારા-CSMT (N-10 લોકલ) ના ફૂટબોર્ડ પર ઉભેલા લોકો સાથે અથડાઈ હતી. અચાનક થયેલી અથડામણને કારણે “ડોમિનો ઇફેક્ટ” સર્જાઈ હતી, જેના કારણે S-11 લોકલના બે અને N-10 લોકલના છ મુસાફરો સંતુલન ગુમાવીને ટ્રેનમાંથી પડી ગયા હતા. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ ટીમ મુમ્બ્રા, દિવા, થાણે, ટિટવાલા, શહાડ અને કસારા સહિતના અનેક સ્ટેશનો પરથી સીસીટીવી ફૂટેજ, ઘાયલ મુસાફરો અને સાક્ષીઓના નિવેદનો અને સોશિયલ મીડિયા અને કોલ દ્વારા મળેલા જાહેર પ્રતિભાવોની તપાસ કર્યા પછી આ નિષ્કર્ષ પર પહોંચી હતી. અહેવાલ મુજબ, બંને ટ્રેનોની અકસ્માત સ્થળે ગતિ મર્યાદા લગભગ 72 કિમી પ્રતિ કલાકની હતી. બંને ટ્રેનો વચ્ચે પર્યાપ્ત ક્લિયરન્સ હતું, જેથી બંને ટ્રેનોના કોચ એકબીજાના સંપર્કમાં આવવાની અથવા કોઈપણ તકનીકી ખામી અથવા ટ્રેક સંબંધિત ખામીની શક્યતા નથી.
આ પણ વાંચો: મુમ્બ્રા દુર્ઘટના બાદ મધ્ય રેલવે સફાળું જાગ્યું: અકસ્માતો રોકવા માટે જાણો શું લીધા પગલાં
કુર્લા કારશેડ ખાતે બે લોકલ ટ્રેનોના રેક્સની તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી, જોકે N-10 ના કોચ 5341A પર બેકપેકના નિશાન જોવા મળ્યાની પુષ્ટિ થઈ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
S-11 ટ્રેનમાં ડાઉન લાઇન પર નોન-પીક અવર્સ હોવાથી ભીડ નહોતી, જયારે CSMT જતી N-10 લોકલ ખીચોખીચ ભરેલી હતી, તેમ અહેવાલમાં જણાવાયું છે. તેણે મુસાફરો વચ્ચે ઝઘડો, તોડફોડ અથવા તોફાનની શક્યતાને પણ નકારી કાઢી હતી. દુર્ઘટના પછી, CR એ લોકોને અને તેના કર્મચારીઓને 9 જૂનના અકસ્માત સંબંધિત માહિતી શેર કરવા વિનંતી કરી હતી.
(પીટીઆઈ)



