મુમ્બ્રા ટ્રેન અકસ્માત કેસ: એન્જિનિયરની જામીન અરજીની સુનાવણીમાં દલીલો પૂર્ણ, આવતીકાલે વધુ સુનાવણી

મુંબઈ: આ વર્ષે જૂનમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા એ મુંબ્રા ટ્રેન દુર્ઘટનાના સંદર્ભમાં ગુનેગાર હત્યાના કેસમાં દાખલ કરવામાં આવેલા બે રેલવે એન્જિનિયર દ્વારા દાખલ કરવામાં આવેલી પૂર્વ-ધરપકડ જામીન અરજીમાં દલીલો થાણે જિલ્લાની એક અદાલતમાં સમાપ્ત થઈ ગઈ છે. તપાસ અધિકારીની દલીલો અને રજૂઆતો સાંભળનાર એડિશનલ સેશન્સ જજ જી ટી પવારે આ મામલો બુધવારે મુલતવી રાખ્યો છે.
આ દુર્ઘટના નવમી જૂને થાણા જિલ્લાના દિવા અને મુમ્બ્રા રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર કસારા તરફ જતી એક ટ્રેન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) તરફ જઈ રહેલી બીજી ટ્રેન એક વળાંક પર (મુંબ્રા સ્ટેશન નજીક) એકબીજાને પસાર કરી રહી હતી ત્યારે કોચના ફૂટબોર્ડ પરના કેટલાક મુસાફરોના બેકપેક્સ એકબીજા સાથે અથડાવાથી મુસાફરો પાટા પર પડી ગયા હતા.
આ પણ વાંચો : મુમ્બ્રા ટ્રેન દુર્ઘટના રિપોર્ટ: પ્રવાસીની ‘લટકતી’ બેગ બની 5 મોતનું કારણ, તપાસમાં ખુલાસો
દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મૃત્યુ થયા હતા. સરકારી રેલવે પોલીસે પહેલી નવેમ્બરે આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર વિશાલ ડોળસ, સિનિયર સેક્શન એન્જિનિયર સમર યાદવ અને અન્ય રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બંને એન્જિનિયરોએ અદાલતને જણાવ્યું હતું કે આ અકસ્માત તેમની કોઈ ખામીને કારણે નહીં, પરંતુ ટ્રેનોની ભીડને કારણે થયો હતો.
(પીટીઆઈ)



