અકોલાના નિસંતાન દંપતીએ મુંબ્રામાંથી ત્રણ મહિનાની બાળકીનું અપહરણ કર્યું

મહિલાને રસ્તો ઓળંગવામાં મદદ કરવાને બહાને બાળકીને લઈ આરોપી ફરાર: 1600 જેટલા સીસીટીવી કૅમેરાની મદદથી ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અકોલા જિલ્લામાં રહેતા નિસંતાન દંપતીએ મુંબ્રામાંથી ત્રણ મહિનાની બાળકીનું કથિત અપહરણ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલાને રસ્તો ઓળંગવામાં મદદ કરવાને બહાને તેની દીકરીને લઈ આરોપી છૂ થઈ ગયા હતા. જોકે પોલીસે 1600થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે દંપતી સહિત ત્રણની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ મુજીબ ગુલાબ (31), ખૈરુનિસા મુજીબ મોહમ્મદ (30) અને નસરીન ઈકલાખ શેખ તરીકે થઈ હતી. આરોપીઓની ચુંગાલમાંથી બાળકીને સહીસલામત છોડાવવામાં પોલીસ સફળ રહી હતી.
આ પણ વાચો : પોર્ટુગલ જઈ રહેલા મહેસાણાના દંપતી અને 3 વર્ષની દીકરીનું લિબિયામાં અપહરણ
પોલીસ ફરિયાદ અનુસાર 22 જાન્યુઆરીની સાંજે છ વાગ્યાની આસપાસ ત્રણ મહિનાની આફિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું. મુંબ્રા કૌસાની અજમેરી હાઈટ્સ ઈમારતમાં રહેતી ફરઝાના મન્સુરી બન્ને દીકરીને ઊંચકીને ખાડીમશીન પરિસરમાંથી પસાર થઈ રહી હતી. ફરઝાના રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેની મોટી દીકરી અનાબિયા સતત રડતી હતી. પરિણામે રસ્તો ઓળંગવામાં મદદરૂપ થવાને બહાને એક મહિલા તેની નજીક આવી હતી અને આફિયાને પોતાની પાસે લઈ લીધી હતી. રસ્તો ઓળંગ્યા પછી મહિલા બાળકીને લઈ રિક્ષામાં બેસી ફરાર થઈ ગઈ હતી.
આ પ્રકરણે મુંબ્રા પોલીસે ગુનો નોંધી તપાસ માટે અધિકારીઓની ચાર ટીમ બનાવી હતી. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતાં અપહરણ કરનારી મહિલા મુંબ્રા સ્ટેશને એક મહિલા અને પુરુષને મળી હતી. બન્ને મહિલાએ બુરખો પહેરી રાખ્યો હતો. આરોપી સીએસએમટી તરફ જનારી ટ્રેનમાં બેઠા હતા અને થાણે સ્ટેશને ઊતર્યા હતા. જોકે થાણેમાં માત્ર દંપતી ઊતર્યું હતું. એક મહિલા ગુમ હતી.
આ પણ વાચો : 400 મીટરને અંતરે આવેલી હોટેલ સુધી લઈ જવાના 18,000 રૂપિયા!
આખરે પોલીસે ફૂટેજને બારીકાઈથી તપાસતાં એક મહિલા મુંબ્રામાં જ ફરી સ્ટેશન બહાર નીકળી હોવાનું નજરે પડ્યું હતું. ફૂટેજને આધારે પોલીસે એ મહિલાનું પગેરું શોધ્યું હતું. મહિલા શાદી મહલ હૉલ રોડ પરના ઈન્શાનગર ખાતે પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. આસપાસના પરિસરમાં તપાસ કરી મહિલાને તેના ઘરેથી તાબામાં લેવાઈ હતી.
પૂછપરછમાં મહિલાએ કબૂલ્યું હતું કે અકોલા જિલ્લાના ખેટરી ગામમાં રહેતું દંપતી મોહમ્મદ મુજીબ અને ખૈરુનિસા બાળકીને પોતાની સાથે લઈ ગયું છે. પોલીસની ટીમ તાત્કાલિક અકોલા પહોંચી હતી. દંપતીની ધરપકડ કરી બાળકીને છોડાવવામાં આવી હતી. લગ્નને ખાસ્સાં વર્ષ વીત્યા છતાં દંપતીને સંતાન નહોતું. પરિણામે સંતાનની લાલસામાં બાળકીનું અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.



