મુંબ્રામાં 18 મહિનાની પુત્રીની હત્યા કરી મૃતદેહ કબ્રસ્તાનમાં દફનાવી દીધો: દંપતીની ધરપકડ

થાણે: મુંબ્રામાં દંપતીએ પોતાની 18 મહિનાની પુત્રીની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. ત્રણ સપ્તાહ બાદ આ ગુના વિશે જાણ કરતો નનામો પત્ર પોલીસને મળતાં બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં દંપતીની ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું
દંપતીની ઓળખ જાહીદ શેખ (38) અને તેની પત્ની નૂરામી (28) તરીકે થઇ હોઇ તેઓ મુંબ્રા વિસ્તારમાં રહે છે. 18 માર્ચે આ ઘટના બની હતી અને બુધવારે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસને તાજેતરમાં નનામો પત્ર મળ્યો હતો, જેમાં દંપતીએ તેમની પુત્રી લબિબાની હત્યા કરીને તેનો મૃતદેહ ચૂપચાપ કબ્રસ્તાનમાં દફનાવી દીધો હોવાની જાણ કરાઇ હતી.
આપણ વાંચો: પુણેની એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની હત્યા,કરીને ખંડણી માગનારા આરોપી દેવાદાર હતા
પત્ર મળ્યા બાદ પોલીસે દંપતીને આરોપીઓને તાબામાં લીધા હતા. આરોપીઓએ શરૂઆતમાં તપાસમાં સહકાર આપ્યો નહોતો, પણ બાદમાં તેમણે ગુનો આચર્યાની કબૂલાત કરી હતી. જોકે હત્યા પાછળનો હેતુ તેમણે જાહેર કર્યો નહોતો, એમ મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ જણાવ્યું હતું.
આરોપીઓએ પોલીસને કહ્યું હતું કે તેમણે 18 માર્ચે તેની પુત્રીની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. પોલીસે બાદમાં કોહવાયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે તેને હોસ્પિટલમાં મોકલ્યો હતો.
બાળકીના માથા અને શરીરના અન્ય ભાગમાં ઇજાના નિશાન હોવાનું પોસ્ટમોર્ટમના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. દરમિયાન આ પ્રકરણે ગુનો દાખલ કરીને દંપતીની ધરપકડ કરાઇ હતી અને કોર્ટે તેમને 15 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)