મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ખોટકાઈ, જાણો કારણ

મુંબઈઃ મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનો અંતિમ તબક્કો શરુ થવાનું મુહૂર્ત નક્કી થઇ ગયું છે ત્યારે આજે અચાનક નવી સમસ્યાનું નિર્માણ થતા પ્રવાસીઓના જીવ પડિકે બંધાયા હતા, જ્યારે પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું. આ મુદ્દે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)એ જણાવ્યું હતું કે આજે બપોરે વરલી જતી ભૂગર્ભ મેટ્રો ટ્રેનમાં “ટેકનિકલ સમસ્યા” સર્જાતા તેને ખાલી કરાવવામાં આવી હતી.
મુંબઈ મેટ્રો લાઇન-3 પર આચાર્ય અત્રે ચોક તરફ જતી ટ્રેન આજે બપોરે 2.44 વાગ્યાની આસપાસ સાંતાક્રુઝ સ્ટેશન નજીક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. નિવેદનમાં સમસ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ કેટલાક મુસાફરોએ ટ્રેનમાં ધુમાડો નીકળ્યો હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ એજન્સીએ ટ્રેનમાં આગ કે ધુમાડો હોવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: મુંબઈની ‘અંડરગ્રાઉન્ડ મેટ્રો’ ‘મોનો રેલ’ના પગલે?, અપેક્ષા પ્રમાણે મળતા નથી પ્રવાસી…
સાવચેતીના પગલા તરીકે, ટ્રેનને સાંતાક્રુઝ સ્ટેશન પર સુરક્ષિત રીતે ખાલી કરાવવામાં આવી હતી અને બાદમાં વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ માટે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ લૂપલાઇન પર ખસેડવામાં આવી હતી. અસરગ્રસ્ત મેટ્રો સેવા રદ કરવામાં આવી હતી, પરંતુ અન્ય તમામ ટ્રેન સેવાઓ સમયસર ચાલુ રહી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે.
મુંબઈ મેટ્રો લાઈન-3, જેને એક્વા લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શહેરનો પ્રથમ સંપૂર્ણપણે ભૂગર્ભ મેટ્રો કોરિડોર છે, જે હાલમાં આરે JVLR અને આચાર્ય અત્રે ચોક વચ્ચે કાર્યરત છે. કોલાબા-BKC-આરે JVLR વચ્ચેના 33.5 કિમી લાંબા કોરિડોરમાંથી આચાર્ય અત્રે ચોક અને આરે JVLR વચ્ચેનો પટ્ટો 10 મે, 2025થી કાર્યરત છે. BKCથી આરે JVLR પટ્ટો 7 ઓક્ટોબર, 2024થી મુસાફરોના ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્રીજો તબક્કો આગામી અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 8 ઓક્ટોબરે ઉદ્ધાટન કરવામાં આવશે.