મુંબઈની ‘અંડરગ્રાઉન્ડ મેટ્રો’ ‘મોનો રેલ’ના પગલે?, અપેક્ષા પ્રમાણે મળતા નથી પ્રવાસી…

મુંબઈઃ મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (Metro 3)ના પ્રથમ તબક્કાને શરૂ થયાને લગભગ ૪ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મેટ્રો-૩ કોરિડોર મુસાફરોને આકર્ષવામાં સફળ રહ્યો નથી. મહિનાઓ પછી પણ અપેક્ષા પ્રમાણે પ્રવાસીઓ નહીં મળતા નિષ્ણાતોએ મુંબઈની મોનો જેવા હાલ થાય એવી શક્યતા સેવી હતી.
ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં આરેથી બીકેસી વચ્ચે ચાલતી મેટ્રો-૩માં માત્ર ૨૭ લાખ મુસાફરોએ મુસાફરી કરી છે, જ્યારે તેની ક્ષમતા દરરોજ લગભગ ૪ લાખ મુસાફરોની છે. જોકે, પ્રવાસીઓ મેટ્રોમાં પ્રવાસ કરવાનું પસંદ નહીં કરવાનું એક કારણ તો મેટ્રો સ્ટેશન સુધી પહોંચવામાં પડતી મુશ્કેલી છે.
આપણ વાંચો: મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો થ્રી માટે હવે આવી ગઈ નવી અપડેટ
મેટ્રો-થ્રીનું પણ ભાડું પણ વધારે હોવાનો દાવો
મેટ્રો-ત્રણનું ભાડું અન્ય મેટ્રો લાઇન કરતાં વધુ હોવાથી પણ મુસાફરો પરેશાન છે. ૧૨.૨ કિલોમીટરના અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ પર મુસાફરી કરવા માટે મુસાફરોને લગભગ ૫૦ રૂપિયા ખર્ચવા પડે છે.
તેની સામે મુસાફરો મેટ્રો ૭ અને મેટ્રો ૨એ કોરિડોરની ૧૨ કિમીની મુસાફરી ૨૦ રૂપિયામાં કરી શકે છે, તેથી કદાચ પ્રવાસીઓની પહેલી પસંદ બનતી નથી, એમ પ્રવાસી સંગઠને દાવો કર્યો હતો.
આપણ વાંચો: અંડરગ્રાઉન્ડ મેટ્રોના બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલુ
સંપૂર્ણ રુટ શરુ થયા પછી પ્રવાસીઓની સંખ્યા વધી શકે
ઘાટકોપર-વર્સોવા મેટ્રો પર ૧૧ કિલોમીટરનું અંતર કાપવા માટે ૪૦ રૂપિયાનો ખર્ચ કરવા પડે છે. બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ)માં મોટી સંખ્યામાં વ્યાવસાયિક સંસ્થાઓ છે. જેના કારણે હાલમાં ત્યાં કામ કરતા મુસાફરો જ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે.
બીકેસીથી કોલાબા વચ્ચે મેટ્રોનું કામ ૯૩ ટકા જેટલું પૂરું થયું છે. આ વિભાગ વર્ષના અંતે અથવા ૨૦૨૬ની શરૂઆતમાં કાર્યરત થવાની આશા છે. એવી અપેક્ષા છે કે મેટ્રો-૩નો સંપૂર્ણ રૂટ કાર્યરત થયા બાદ મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ થઇ શકે છે.
આપણ વાંચો: મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રોની સેવા આગને કારણે સ્થગિત અને…
વર્ષે માંડ 36 લાખ પ્રવાસી કરે છે મુસાફરી
મેટ્રો-૩ની અન્ય મેટ્રો સાથે કનેક્ટિવિટી વધ્યા બાદ પ્રવાસીઓમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. કોલાબા અને ચર્ચગેટથી બાંદ્રા અને આરે સુધી મુસાફરી કરનારા લોકો સંપૂર્ણ રૂટ શરુ થયા બાદ લોકલ ટ્રેનના બદલે મેટ્રો પસંદ કરી શકે છે, તેવું અનુમાન છે. બીજી બાજુ મુંબઈમાં દોડાવાતી સૌથી પહેલી મોનો રેલના પણ ખરાબ હાલ છે.
વડાલાથી ચેમ્બુર વચ્ચેના કોરિડોરમાં તબક્કાવાર મોનો રેલ શરુ કરવામાં આવી હતી, પરંતુ આજની તારીખે પણ અપેક્ષા પ્રમાણે પ્રવાસીઓ નહીં મળતા કરોડો રુપિયાનો પ્રોજેક્ટ માટે નિષ્ણાતો ‘વ્હાઈટ એલિફન્ટ’ ગણાવે છે. 20 કિલોમીટરના કોરિડોરમાં વર્ષે સરેરાશ 36 લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે, જ્યારે મોનો રેલમાં રોજની બે લાખથી વધુ પ્રવાસીની ક્ષમતા છે.