યુનિવર્સલ પૉલિસી હેઠળ મુંબઈની ફૂટપાથને અપગ્રેડ કરાશે.

પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ ૧૪ ફૂટપાથનાં સ્થળને પસંદ કરવામાં આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તા પર આવેલી ફૂટપાથને અતિક્રમણ મુક્ત કરીને રાહદારીઓને ચાલવા યોગ્ય બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા યુનિવર્સલ પૉલિસી હેઠળ ફૂટપાથનું રિમોડેલિંગ અને અપગ્રેડેશન કરવાનો પ્રોેેજેક્ટ હાથ ધરવાની છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર મુંબઈની ૧૬.૫ કિલોમીટર ફૂટપાથનું નવીનીકરણ કરવામાં આવશે.
મુંબઈની મોટાભાગની ફૂટપાથ પર ગેરકાયદે રીતે અતિક્રમણ થવાની સાથે જ તે ચાલવાને યોગ્ય રહી નથી ત્યારે સુધરાઈ પાઈલોટ પ્રોજેક્ટ યોજના હેઠળ શહેરની ૧૬.૫ કિલોમીટર લાંબી ફૂટપાથને રાહદારીઓ માટે અનુકૂળ બનાવવા માટે રિમોડેલ કરવાની છે. પાઈલોટ પ્રોજેક્ટમાં પાલિકા દ્વારા હાલ જે સ્થળોએ ફૂટપાથ પર રાહદારીઓની ભીડ વધુ હોય છે તેવી ૧૪ ફૂટપાથને પસંદ કરવામાં આવી છે, જેમાં ફૂટપાથના નાના ભાગોને યુનિવર્સલ ફૂટપાથ પૉલિસી હેઠળ અપગ્રેડ કરવામાં આવશે.
રિમોડેલ યોજના હેઠળ ૧૪ સ્થળોમાંથી ૬.૪૦ કિલોમીટર એટલે કે ચાર સ્થળ દક્ષિણ મુંબઈમાં છે. પૂર્વ ઉપનગરમાં પાંચ વિસ્તારને આવરી લેતી ૫.૯૬ કિલોમીટરની ફૂટપાથ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાંચ સ્થળે ૪.૧૯ કિલોમીટરની ફૂટપાથને આવરી લેવામાં આવવાની છે. નોંધનીય છે કે મુંબઈમાં આશરે ૪,૦૦૦ કિલોમીટરની ફૂટપાથ છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ પૉલિસી હેઠળ ફૂટપાથને અતિક્રમણ મુક્ત અને બધા માટે ચાલવા યોગ્ય બનાવવામાં આવવાની છે, જેમાં ફૂટપાથની ઊંચાઈ, પહોળાઈ, સમાન સપાટીથી લઈને તેના પર રહેલા અતિક્રમણથી લઈને તમામ અવરોધ દૂર કરવામાં આવશે. દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ ફૂટપાથનો ઉપયોગ કરી શકે એ મુજબનું ધ્યાન રાખવામાં આવશે. ફૂટપાથની આજુબાજુ રહેલાં વૃક્ષો પણ સુરક્ષિત રહે તેની કાળજી લેવામાં આવશે. આવશ્યક જગ્યાએ બેન્ચ પણ બેસાડવામાં આવશે.
આ અઠવાડિયાની શરૂઆતમાં જ પાલિકાએ પાઈલોટ પ્રોજેક્ટ માટે અંતિમ મંજૂરીઓ મેળવી લીધી હતી. પસંદ કરવામાં આવેલાં ૧૪ સ્થળોને મોડેલ તરીકે વિકસાવ્યા બાદ અન્ય વિસ્તારમાં પણ તેને અમલમાં મૂકવાની પાલિકાની યોજના છે. અધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષના નાણાકીય બજેટમાં જાહેર કરાયેલી ‘પેડેસ્ટ્રીયન ફર્સ્ટ’ યોજના હેઠળ ફૂટપાથ માટે યુનિવર્સલ પૉ લિસી ઘડવામાં આવી છે, જેના માટે પ્રશાસને ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
નોંધનીય છે કે વર્ષની શરૂઆતમાં જ બોમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે પાર્કિંગ અને ફૂટપાથ પરના અતિક્રમણને લઈને થતી સમસ્યાને લઈને પાલિકાના અધિકારીઓને ફટકાર લગાવી હતી. જોકે પાલિકાએ રાહદારીઓ માટે અમલમાં મૂકેલી યુનિવર્સલ પૉલિસીનો પ્રોજેક્ટ પહેલો પ્રયોગ નથી. આ અગાઉ ૨૦૧૬ની સાલમાં પાલિકાએ રાહદારીઓ માટે ફૂટપાથ પરથી અતિક્રમણને દૂર કરીને ડિઝાઈન કરેલા ફ્ર્નિચર બેસાડવાની સાથે અવરોધ દૂર કરવા નિયમો ઘડયા હતા.
એ બાદ ૨૦૧૭માં બહાર પાડેલા સર્ક્યુલરમાં આસિસ્ટન્ટ કમિશનરોને મુખ્ય રસ્તા પરની ફૂટપાથ ઓળખીને તેનું સમારકામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. છતાં મુંબઈમાં અનેક ફૂટપાથની હાલત આજની તારીખમાં પણ ચાલવા યોગ્ય નથી.
આ પણ વાંચો…સુધરાઈ કરશે શિવાજી પાર્કનું સુશોભીકરણ…



